દરેક ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં સંશોધનની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હીઃ 8 જુલાઈ, 2025: Supreme Court: દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને જોયમલ્યા બાગચીની ખંડપીઠે મંગળવારે(8 જુલાઈ) અરજદાર અશ્વિની ઉપાધ્યાયને આ મામલાને સુનાવણી માટે સૂચિબદ્ધ કરતા પહેલા પ્રક્રિયાગત ખામીઓ દૂર કરવા કહ્યું હતું. જેના પર, અરજદાર 10 જુલાઈએ આ અરજી પર સુનાવણી કરશે. અરજીમાં ભારતીય ચૂંટણી પંચને SIR કરાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે જેથી ખાતરી કરી શકાય કે ફક્ત ભારતીય નાગરિકો જ રાજકારણ અને નીતિ નક્કી કરે, ગેરકાયદે વિદેશી ઘુસણખોરો નહીં.
200 જિલ્લા અને 1500 તાલુકામાં વસ્તી ગણતરી બદલાઈ ગઈ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સ્વતંત્રતા પછી, મોટા પાયે ગેરકાયદે ઘૂસણખોરી, કપટપૂર્ણ ધાર્મિક પરિવર્તન અને વસ્તી વિસ્ફોટને કારણે 200 જિલ્લાઓ અને 1,500 તાલુકાઓની વસ્તીની સ્થિતિ બદલાઈ ગઈ છે. વસ્તી વિષયક સ્થિતિ એ ભાગ્ય છે અને ડઝનબંધ જિલ્લાઓએ પહેલાથી જ તેમના ભાગ્યનો નિર્ણય એવા લોકો દ્વારા લેતા જોયો છે જે ભારતીય નથી. ચૂંટણીઓ દ્વારા એક રાષ્ટ્ર તેના રાજકારણ અને નીતિને આકાર આપે છે અને તેથી કેન્દ્ર, રાજ્યો અને ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે કે તેઓ ખાતરી કરે કે સંસદીય, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફક્ત સાચા નાગરિકો જ મતદાન કરે, વિદેશી ઘુસણખોરો નહીં.
સમયાંતરે મતદાર યાદીઓની ઊંડાણપૂર્વક ચકાસણી જરૂરી
આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે સમયાંતરે મતદાર યાદીઓની ખાસ ઊંડાણપૂર્વક ચકાસણી જરૂરી છે. અરજદારે દલીલ કરી હતી કે મુક્ત અને ન્યાયી ચૂંટણી માટેના બંધારણીય આદેશને કારણે મતદાર યાદીઓનું SIR જરૂરી છે. બિહારમાં 243 વિધાનસભા મતવિસ્તાર છે. દરેક મતવિસ્તારમાં મતદાર યાદીઓમાં અંદાજે 8,000-10,000 ગેરકાયદે, ડુપ્લિકેટ અને નકલી એન્ટ્રીઓ છે. 2,000-3,000 મતોની નાની વિસંગતતા પણ ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે.
બિહારમાં SIR પર હોબાળો
બિહારમાં ચૂંટણી પહેલા SIR કરાવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે કોંગ્રેસ, NCP (શરદ પવાર), શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી, JMM, CPI અને CPI (ML)ના વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. RJD સાંસદ મનોજ ઝા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અલગ અલગ અરજીઓ ઉપરાંત, કોંગ્રેસના કેસી વેણુગોપાલ, શરદ પવાર NCP જૂથના સુપ્રિયા સુલે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ડી રાજા, સમાજવાદી પાર્ટીના હરિંદર સિંહ મલિક, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત, ઝારખંડ મુક્તિ મોરચાના સરફરાઝ અહેમદ અને CPI (ML)ના દીપાંકર ભટ્ટાચાર્યએ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બધા નેતાઓએ બિહારમાં મતદાર યાદીના SIR કરાવવાના ચૂંટણી પંચના આદેશને પડકાર્યો છે અને તેને રદ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ યમનમાં હત્યાના ગુનામાં ભારતીય નર્સને અપાશે ફાંસી, સામે આવી તારીખ, હવે કઈ થઈ શકે?
આ પણ વાંચોઃ શું છે TikTok M2 એપ?, ભારતમાં લેશે એન્ટ્રી!












