ટ્રેન્ડિંગનેશનલવિશેષ

દેશની હાઈટેક સોસાયટી, તાલિબાની ન્યાય: બેંગલુરુમાં પોલીસ બનીને એસોસિએશને પોતે જ ચલાવી અદાલત, હવે નોંધાઈ FIR

બેંગલુરુ: 18 ડિસેમ્બર, 2025: દેશની આઈટી કેપિટલ ગણાતા બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાંથી કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીંની એક સોસાયટીના એસોસિએશને પોતાની જ એક અલગ ન્યાય પ્રણાલી ઊભી કરી દીધી હતી, જેમાં તેઓ પોતે જ તપાસકર્તા (પોલીસ) અને પોતે જ ન્યાયાધીશ બનીને ગુનેગારોને સજા ફટકારતા હતા. ગંભીર ગુનાઓને પોલીસ સુધી પહોંચાડવાને બદલે દંડ વસૂલીને મામલો રફેદફે કરી દેવામાં આવતો હતો.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના બેંગલુરુના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રોવિડન્ટ સનવર્થ એપાર્ટમેન્ટની છે. આ સોસાયટીમાં દેશના વિવિધ ખૂણેથી આવેલા લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. છેલ્લા કેટલાક સમયમાં અહીં ચોરી, ડ્રગ્સનું સેવન અને જાતીય સતામણી જેવા ગંભીર ગુનાઓ બન્યા હતા. પરંતુ, એપાર્ટમેન્ટ એસોસિએશન અને સિક્યુરિટી એજન્સી ‘ટાઈકો’ એ આ મામલે પોલીસને જાણ કરવાને બદલે: ગુનેગારોની જાતે પૂછપરછ કરી,  મનસ્વી રીતે દંડ ફટકાર્યો અને  પૈસા લઈને મામલા દબાવી દીધા.

ડ્રગ્સના કેસમાં વસૂલ્યા હજારનો દંડ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં એસોસિએશને ગુનેગારો પાસેથી 25,000 રૂપિયા સુધીનો દંડ વસૂલ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રકારના ‘ગોરખધંધા’ને કારણે ગુનેગારો સજાથી બચી જતા હતા અને પીડિતોને વાસ્તવિક ન્યાય મળતો નહોતો.

પોલીસની કાર્યવાહી અને ચેતવણી

ડીસીપી (સાઉથ-વેસ્ટ) અનીતા બી. હદન્નવરે જણાવ્યું કે, મહિલાઓ વિરુદ્ધના ગુના અને ડ્રગ્સ જેવા ગંભીર મામલા છુપાવવા એ ગુનો છે. આ મામલે કુંબલગોડુ પોલીસ સ્ટેશનમાં એસોસિએશન અને સિક્યુરિટી કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ ખાનગી સંસ્થા કે એસોસિએશનને ગુનાની તપાસ કરવાનો કે સજા આપવાનો કાનૂની અધિકાર નથી. દરેક ગુનાની જાણ પોલીસને કરવી ફરજિયાત છે. સોસાયટીના સભ્યોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાય તો તરત જ ૧૧૨ નંબર પર જાણ કરે.

 

Back to top button