ટોપ ન્યૂઝનેશનલ

પપ્પુ યાદવ પર હુમલાનો પ્રયાસ! ચાકુ સાથે ઘુસેલા યુવકે ફેંક્યું જૂતું, સમર્થકોએ ઝડપી પોલીસને સોંપ્યો

02-08-2026: બિહારના પૂર્ણિયા લોકસભા ક્ષેત્રના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પર રવિવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હુમલાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના દરમિયાન એક વ્યક્તિ અચાનક કાર્યક્રમમાં ઘુસી આવ્યો અને પપ્પુ યાદવ તરફ જૂતું ફેંક્યું. ત્યારબાદ હાજર સમર્થકો અને સુરક્ષા કર્મચારીઓએ તેને કાબૂમાં લઈ લીધો અને પોલીસને સોંપી દીધો.

ઘટના બાદ પપ્પુ યાદવે દાવો કર્યો કે આરોપી માત્ર વિરોધ કરવા માટે આવ્યો નહોતો, પરંતુ તેની પાસે ચાકુ પણ હતું અને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો જાહેરમાં તેમના વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.

સાંસદે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આરોપીને પકડીને તરત જ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. સુરક્ષા એજન્સીઓ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે કે હુમલો કોઈ પૂર્વ આયોજનનો ભાગ તો નહોતો.

દાનપેટી પ્રદર્શન બાદ વિવાદ વધુ ઘેરાયો

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પપ્પુ યાદવ તાજેતરમાં સંસદ પરિસરમાં કરેલા વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં હતા. ચોમાસુ સત્ર દરમિયાન તેમણે અયોધ્યાના રામ મંદિરના દાનના ઉપયોગ અંગે સવાલો ઉઠાવતા સાધુના વેશમાં સંસદ પરિસરમાં પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

તેઓ પોતાના સાથે દાનપેટી લઈને પહોંચ્યા હતા અને વિરોધ દરમિયાન અન્ય સાંસદો પાસેથી પ્રતિકાત્મક દાન લેવાની રજૂઆત કરી હતી. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમાં પ્રતિકાત્મક રીતે સહભાગી થઈ દાન આપ્યું હતું. પ્રદર્શન દરમિયાન પપ્પુ યાદવ દાનપેટીમાં રકમ મૂકવાને બદલે પોતાના પાસે રાખતા હોવાનો પ્રતીકાત્મક અભિનય કર્યો હતો, જેના માધ્યમથી તેમણે દાનના પૈસામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

વારાણસીમાં નોંધાઈ FIR

આ પ્રદર્શન બાદ વારાણસીમાં પપ્પુ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય સાંસદો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સંસદ પરિસરમાં કરવામાં આવેલું આ પ્રદર્શન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે અને રામ મંદિર સાથે જોડાયેલી આસ્થાનું અપમાન કરે છે.

કેટલાક સંતો અને ધાર્મિક આગેવાનોએ પણ આ વિરોધની નિંદા કરતાં જણાવ્યું હતું કે દાન ચોરીના નામે કરવામાં આવેલું નાટ્યરૂપ પ્રદર્શન સનાતન પરંપરાનું અપમાન સમાન છે અને આવી હરકતો સ્વીકાર્ય નથી.

હાલમાં દિલ્હી પોલીસ હુમલાની ઘટના તેમજ આરોપીની પૃષ્ઠભૂમિ અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ, પપ્પુ યાદવ પર થયેલા હુમલાના પ્રયાસને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો: બોટાદ LCBની મોટી સફળતા: ₹1.60 લાખના મુદ્દામાલ સાથે ચોરીનો આરોપી ઝડપાયો

Back to top button