ટોપ ન્યૂઝવર્લ્ડ

સકારાત્મક પરિવર્તનની કોઈ સરહદ હોતી નથી, પાકિસ્તાનમાં પણ અપનાવાયું ઠાકોર સમાજનું બંધારણ

Thakor samaj Constitution: બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવેલો એક ઐતિહાસિક સામાજિક સુધારાનો નિર્ણય હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાતના વાવ–થરાદ પંથકથી શરૂ થયેલી લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યક્રમોમાં થતી બિનજરૂરી દેખાદેખી તથા ફાલતુ ખર્ચ પર રોક લગાવવાની પહેલ હવે પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજે પણ અપનાવી છે.

ગુજરાતના ઠાકોર સમાજે મજબૂત બંધારણ તૈયાર કર્યું

થોડા દિવસો પહેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે એક મજબૂત સામાજિક બંધારણ તૈયાર કરી તેનો અમલ શરૂ કર્યો હતો. આ બંધારણનો મુખ્ય હેતુ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં વધતા આર્થિક બોજને ઘટાડવાનો તથા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાનો છે. દિયોદરના ઓગડ ખાતે ત્રણ જિલ્લાઓના પ્રતિનિધિઓની હાજરીમાં આ બંધારણ ઘડાયું હતું અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના નિવાસસ્થાને તેની અમલવારીની શરૂઆત કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજે કર્યો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારો જેવા કે વાવ અને ભાભર સાથે પાકિસ્તાનમાં વસતા અનેક ઠાકોર પરિવારો વર્ષોથી સામાજિક અને કૌટુંબિક સંબંધો ધરાવે છે. ગુજરાતમાં થયેલા આ સુધારાની જાણ થતાં પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો પ્રેરાયા અને તેમણે પણ આ જ બંધારણ અપનાવવાનો નિર્ણય જાહેર કર્યો. પાકિસ્તાનમાં આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ લગ્ન પ્રસંગોમાં ફાલતુ ખર્ચ નહીં કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

સકારાત્મક પરિવર્તનની કોઈ સરહદ હોતી નથી

આ બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરહદ પાર પણ આ સામાજિક બંધારણ સ્વીકારવામાં આવે તે સમાજની એકતા અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી આવનારી પેઢીને આર્થિક સંયમ અને સમાનતાનો માર્ગ મળશે. વાવ–થરાદથી શરૂ થયેલી સમાજ સુધારણાની આ મશાલ આજે પાકિસ્તાન સુધી પહોંચીને સાબિત કરે છે કે સકારાત્મક પરિવર્તનની કોઈ સરહદ હોતી નથી.

Back to top button