ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

પંજાબમાં ASI હરજીત સિંહની હત્યાના આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું

Asi Harjeet Singh Encounter :  પંજાબના અમૃતસરમાં ASI હરજીત સિંહની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હત્યામાં સામેલ હોવાના આરોપસર પોલીસ જેને શોધી રહી હતી તે એક આરોપી પોલીસ સાથેની અથડામણમાં ઠાર થયો છે. જ્યારે તેનો સાથીદાર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, ઠંડા રોડ પર પોલીસ દ્વારા ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોલીસ ટીમને જોઈને કથિત રીતે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક આરોપીને ગોળી વાગી હતી.

ગોળી વાગ્યા બાદ પોલીસ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ, તેની સાથે રહેલો અન્ય આરોપી અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસની વિવિધ ટીમો તેની શોધખોળ કરી રહી છે.

ચેકપોઇન્ટ પર પોલીસ પર ફાયરિંગ

અમૃતસરના પોલીસ કમિશનર હરમનબીર સિંહ ગિલે જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરે ASI હરજીત સિંહની હત્યા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે શહેરભરમાં ચેકપોઇન્ટ ગોઠવ્યા હતા. ઠંડા રોડ પર પણ પોલીસનો ચેકપોઇન્ટ હતો.

પોલીસને મળેલી વિશ્વસનીય બાતમી બાદ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ તરફ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો પોલીસનો દાવો છે. જવાબમાં પોલીસે આત્મરક્ષામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગોળી આરોપીને વાગી હતી.

પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ઘાયલ આરોપીને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ દરમિયાન બીજો આરોપી ફરાર થઈ ગયો હતો અને તેને ઝડપી લેવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે કામ કરી રહી છે.

તપાસમાં પાકિસ્તાન કનેક્શનનો દાવો

પોલીસ તપાસમાં આ કેસમાં પાકિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનમાં બેઠેલી એક વ્યક્તિ વિદેશમાંથી આ સમગ્ર નેટવર્ક ચલાવી રહી હતી.

પોલીસનો આરોપ છે કે આ વ્યક્તિએ આરોપીઓને પૈસાની લાલચ આપી હતી અને તેમને ડ્રગ્સના વેપારમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી પોતાની વફાદારી સાબિત કરવા માટે એક પોલીસ અધિકારીને નિશાન બનાવવાનું, તેની હત્યા કરવાનું અને ઘટનાનો વીડિયો બનાવવાનું કામ કરાવવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ASI હરજીત સિંહને જમીન પર પડેલી હાલતમાં ફિલ્માવવામાં આવ્યા હતા અને આ વીડિયો સંબંધિત વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. આરોપીઓના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ આ વીડિયો સહિત અન્ય મહત્વના પુરાવા મળવાની શક્યતા છે. પોલીસ મોબાઇલ લોકેશન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે કેસમાં વધુ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય

આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ASI હરજીત સિંહના પરિવાર માટે 1 કરોડ રૂપિયાની અનુકંપા રકમ (Ex-Gratia) જાહેર કરી હતી. આ ઉપરાંત સરકાર તરફથી શહીદ અધિકારીના પરિવારને 1 કરોડ રૂપિયાનું વીમા કવર (Insurance Payment) પણ મળવાનું છે.

પંજાબના DGP ગૌરવ યાદવે ઘટનાસ્થળની મુલાકાત લઈને આરોપીઓને કાયદાના કઠેડામાં લાવવાની વાત કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દરમિયાન રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા તરુણ ચુઘે પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પંજાબની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : AI ની રેસ ધીમી કરવા કાવતરું? ચાર દિગ્ગજ કંપનીઓ સામે યુએસ કોર્ટમાં મુકદ્દમો દાખલ

Back to top button