અસમમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા, બંધ ઘરમાંથી પતિ-પત્ની અને દીકરીના મૃતદેહ મળ્યા

Triple Murder : અસમના ડિબ્રુગઢ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ડુલિયાજાનના કમલાબાડી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમની દીકરીનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને શોકનો માહોલ છવાયો છે.
ઘરના અલગ-અલગ રૂમમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા
મૃતકોની ઓળખ ચંદ્રકાંત ભુઈયાં, તેમનાં પત્ની એલિઝા ભુઈયાં અને દીકરી નિહારિકા ભુઈયાં તરીકે થઈ છે. સોમવારે ત્રણેયના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે મૃતદેહ મળી આવ્યા ત્યારે ઘરના દરવાજા અને બારીઓ બંધ હતાં. મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે પરિવારના ઘરે રહેતા એક ભાડૂઆત છઠ પૂજાનો પ્રસાદ આપવા પહોંચ્યા હતા. જોકે, વારંવાર અવાજ આપવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. આથી તેમને શંકા ગઈ અને તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પાડોશીઓએ પોલીસને ઘટનાની માહિતી આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી પોલીસ
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘરના દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે અલગ-અલગ રૂમમાં પતિ, પત્ની અને દીકરીના મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા. ડિબ્રુગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અભિજિત ગૌરવ દિલીપે જણાવ્યું હતું કે પોલીસને ઘરની અંદરથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. મૃતક ચંદ્રકાંત ભુઈયાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (Oil India Limited)ના નિવૃત્ત અધિકારી હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
CCTV બંધ હોવાથી તપાસમાં મુશ્કેલી
આ ઘટનામાં ઘરમાં લાગેલો CCTV કેમેરો પણ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે ટેક્નિકલ સાધનોની મદદથી કેમેરામાંથી ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ઘટનાની કડીઓ જોડવામાં મદદ મળી શકે. હાલમાં ત્રણેયની હત્યા કઈ રીતે કરવામાં આવી, તેની પાછળનું કારણ શું હતું અને આ ગુનામાં કોણ સામેલ છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર ડુલિયાજાન વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો : અમદાવાદના વર્લ્ડક્લાસ સ્ટેશનનું કામ ચાર વર્ષમાં માત્ર 20 ટકા, સરકારી રિપોર્ટથી તંત્રની પોલ ખુલી












