ગુજરાતટોપ ન્યૂઝ

નારણપુરામાં AMTS બસ બેકાબૂ: બ્રેક ફેલ થતાં કાર અને બે બાઈકને અડફેટે લીધી, ડ્રાઈવર પર નશામાં હોવાનો આક્ષેપ

Naranpura AMTS bus accident: અમદાવાદના વ્યસ્ત વિસ્તારોમાંના એક એવા નારણપુરામાં આજે સવારના સમયે સર્જાયેલા AMTS બસ અકસ્માતે ભારે ચકચાર મચાવી દીધી હતી. નિકેતન સોસાયટી નજીક પસાર થઈ રહેલી AMTS બસ અચાનક બેકાબૂ બની જતાં રસ્તા પર ચાલતા વાહનોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર અને બે બાઈકને જોરદાર ટક્કર વાગી હતી. અકસ્માતમાં એક બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે આસપાસ ઉભેલા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

400 નંબરની સર્ક્યુલર રૂટ પર દોડી રહી હતી બસ

મળતી માહિતી અનુસાર આ બસ AMTSની 400 નંબરની સર્ક્યુલર રૂટ પર દોડી રહી હતી અને લાલ દરવાજાથી પરત ફરી રહી હતી. બસ નારણપુરા ચાર રસ્તા પાસેથી આગળ વધી રહી હતી ત્યારે નિકેતન સોસાયટી નજીક અચાનક બ્રેક સિસ્ટમ કામ કરવાનું બંધ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ડ્રાઈવરે બસ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ઝડપમાં હોવાને કારણે બસ આગળ ચાલતા વાહનો સાથે અથડાઈ ગઈ હતી.

જોરદાર અથડામણથી બાઈક ચાલક રસ્તા પર પટકાયો

બસની ટક્કર એટલી જોરદાર હતી કે આગળ ચાલતી બાઈક અને કાર બંનેને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક બાઈક ચાલક સીધો રસ્તા પર પટકાઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેને ઊભો કર્યો અને મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જોકે અકસ્માત બાદ તે સ્પષ્ટ રીતે ગભરાઈ ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વાહનચાલકો બસની આસપાસ ભેગા થઈ ગયા હતા અને કેટલાક લોકો ઘટનાનો વીડિયો પણ બનાવતા જોવા મળ્યા હતા.

સ્થાનિકોનો આક્ષેપ- ડ્રાઈવર નશાની હાલતમાં હતો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

અકસાન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. લોકોના કહેવા મુજબ ડ્રાઈવરની હરકતો અને બોલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. જેના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા અને ડ્રાઈવરને પકડી લીધો હતો. બાદમાં પોલીસ સ્થળ પર પહોંચતા પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને ડ્રાઈવરને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જોકે, ડ્રાઈવર ખરેખર નશામાં હતો કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ટ્રાફિક પોલીસ અને AMTS અધિકારીઓ તાત્કાલિક સ્થળે 

ઘટનાની જાણ થતા અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગેની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. AMTSના એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર અને બસ સંચાલન કરતી પ્રાઈવેટ ઓપરેટર કંપનીની ટેકનિકલ ટીમ પણ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. ટેકનિકલ ટીમે બસની બ્રેક સિસ્ટમ અને અન્ય મશીનરીની તપાસ શરૂ કરી હતી જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.

ત્રણ વાહનોને નુકસાન, તપાસ શરૂ

AMTS તંત્રના જણાવ્યા મુજબ અકસ્માતમાં ત્રણ જેટલા વાહનોને નુકસાન થયું છે. બસના ડ્રાઈવરનું નામ ભુખણસિંહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પૂછપરછ ચાલી રહી છે. પોલીસ હવે ડ્રાઈવરનું મેડિકલ ટેસ્ટ કરાવી શકે છે જેથી તે નશાની હાલતમાં હતો કે નહીં તેની સત્યતા સામે આવી શકે. સાથે જ બસની ટેકનિકલ સ્થિતિ અને નિયમિત મેન્ટેનન્સ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જાહેર પરિવહનની સલામતી ફરી સવાલોમાં

આ અકસ્માત બાદ ફરી એકવાર AMTS બસોની સલામતી અને જાળવણી અંગે સવાલો ઊભા થયા છે. શહેરમાં દરરોજ હજારો લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે, ત્યારે બ્રેક ફેલ જેવી ઘટના ગંભીર ચિંતા ઉભી કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે જૂની બસોની યોગ્ય ટેકનિકલ તપાસ અને ડ્રાઈવરોની નિયમિત મેડિકલ ચકાસણી ફરજિયાત થવી જોઈએ. વિસ્તારના રહેવાસીઓએ પણ માગણી કરી છે કે વ્યસ્ત વિસ્તારોમાં દોડતી બસોની ગતિ અને સલામતી પર વધુ કડક નિયંત્રણ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

આ પણ વાંચો: Bihar: સમ્રાટ ચૌધરીની સરકારમાં 32 મંત્રીઓએ લીધા શપથ, જાતિ સમીકરણ અને મહિલા પ્રતિનિધિત્વ પર ભાર

 

Back to top button