મ્યાનમારમાં સેનાના એરસ્ટ્રાઇકે આખું હોસ્પિટલ તબાહ કર્યું, 34 દર્દીઓ અને સ્ટાફના મૃત્યુ; 80 ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ 11 ડિસેમ્બર, 2025: મ્યાનમારના રખાઈન રાજ્યમાંથી એક અત્યંત દર્દનાક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સેનાએ રાત્રે કરેલા હવાઈ હુમલા (Air Strike) એ એક આખા હોસ્પિટલને કાટમાળમાં ફેરવી દીધું છે. આ હુમલો બુધવારે રાત્રે મ્રાઉક-યૂ ટાઉનશીપમાં થયો હતો, જે અરાકાન આર્મી (AA)ના નિયંત્રણવાળા વિસ્તારમાં આવે છે. આ હુમલામાં હોસ્પિટલના 34 દર્દીઓ અને સ્ટાફના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે લગભગ 80 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાયું છે.
એરસ્ટ્રાઇકે હોસ્પિટલને તબાહ કર્યું
સ્થાનિક રેસ્ક્યુ ટીમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ હુમલો રાત્રે 9:13 મિનિટે થયો, જ્યારે એક લડાકુ વિમાને હોસ્પિટલ પર બે બોમ્બ ફેંક્યા. પહેલો બોમ્બ હોસ્પિટલના રિકવરી વોર્ડ પર અને બીજો મુખ્ય ઇમારત પાસે ફાટ્યો. બંને ધમાકા બાદ આખી ઇમારત લગભગ તબાહ થઈ ગઈ. ગુરૂવારે સવારે રેસ્ક્યુ ટીમ પહોંચી, ત્યારે ત્યાં વેરવિખેર મેડિકલ ઉપકરણો, તૂટેલા સ્ટ્રેચર અને ઘાયલોની ચીસોથી આખું વાતાવરણ ભયાવહ હતું.
રેસ્ક્યુ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમણે ઘટનાસ્થળેથી 17 પુરૂષો અને 17 મહિલાઓના મૃતદેહો બહાર કાઢ્યા છે.
અરાકાન આર્મીનું નિયંત્રણ
આ હુમલો જે વિસ્તારમાં થયો, તે રાખાઈન સમુદાયના સશસ્ત્ર એકમ અરાકાન આર્મી (AA) દ્વારા નિયંત્રિત છે, જે લાંબા સમયથી કેન્દ્રીય સરકાર પાસેથી વધુ સ્વાયત્તતાની માંગ કરી રહ્યું છે. નવેમ્બર 2023થી શરૂ થયેલા અભિયાનમાં AA એ સેનાની મોટી કમાન્ડ પોસ્ટ સહિત 17માંથી 14 ટાઉનશીપ પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
ઈતિહાસ
રખાઈન રાજ્યનો ઈતિહાસ સંઘર્ષ અને તણાવથી ભરેલો છે. 2017માં અહીં સેનાની કાર્યવાહી બાદ લગભગ 7.40 લાખ રોહિંગ્યા મુસ્લિમોને ઘર છોડીને બાંગ્લાદેશ ભાગી જવું પડ્યું હતું.
જીવનની છેલ્લી આશા પર હુમલો
મ્રાઉક-યૂનું આ હોસ્પિટલ વિસ્તારની સૌથી મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સુવિધા હતી. ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે રાજ્યની ઘણી હોસ્પિટલો પહેલેથી જ બંધ છે. આ હોસ્પિટલ થોડા સમય પહેલાં જ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ હુમલાએ સ્થાનિક લોકોની જીવનની છેલ્લી આશા પર પણ વાર કર્યો છે.
સૈન્ય સરકારનો ઇનકાર, આંતરરાષ્ટ્રીય માગ
મ્યાનમારની સૈન્ય સરકારે અત્યાર સુધી આ હુમલાને પોતાની કાર્યવાહી માનવાનો ઇનકાર કર્યો છે. મ્યાનમારની છાયા સરકાર (National Unity Government) એ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સેનાને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સેના યોજનાબદ્ધ રીતે નાગરિકોને નિશાન બનાવી રહી છે.
2021માં સેના દ્વારા સત્તા કબજે કર્યા પછી સમગ્ર દેશમાં સંઘર્ષ વધ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે 28 ડિસેમ્બરની ચૂંટણીઓ સૈન્ય શાસનને માત્ર કાયદેસરતા આપવાનો પ્રયાસ છે.












