ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાને IRGC નેવી કમાન્ડર અલીરેઝા તંગસિરીના મોતની પુષ્ટિ કરી, ઈઝરાયેલે કર્યો હતો મારવાનો દાવો

Alireza Tangsiri: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલી હુમલામાં IRGCના નેવી કમાન્ડર અલીરેઝા તંગસિરીના મોતની પુષ્ટિ થઈ છે. તાજેતરમાં ઈઝરાયલે દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવા માટે જવાબદાર તંગસિરી માર્યા ગયા છે. ઈઝરાયલી હુમલા બાદ થયેલી ગંભીર ઈજાઓમાંથી તેઓ સાજા થઈ શક્યા નહોતાં. IRIB એ તેમના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલા ઈઝરાયલના રક્ષામંત્રી કાત્ઝે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે કમાન્ડરને ઈઝરાયલી સેનાના ટાર્ગેટેડ ઓપરેશનમાં મારવામાં આવ્યા છે.

અલીરેઝા તંગસિરી આરજીસીના નેવી પ્રમુખ હતા. તેઓ 2018થી આ પદ પર હતા. તેમને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા રણનીતિના માસ્ટરમાઇન્ડ તરીકે માનવામાં આવતા હતા. ખાડી ક્ષેત્રમાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોને પડકારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તંગસિરી 26 માર્ચે બંદર અબ્બાસમાં થયેલા ઈઝરાયલી હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અનેક ઈરાની લશ્કરી અને રાજકીય વ્યક્તિઓ માર્યા ગયા

આ પહેલા આ યુદ્ધમાં ઇરાનના ઘણા જુના અને ઉચ્ચ સ્તરીય સૈનિક અને રાજકીય નેતાઓના મોત થયા છે. સૌથી પહેલા ઇરાનના સુપ્રિમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયુ. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત કામગીરીમાં તેમના પરિસરમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ 86 વર્ષના હતા અને 1989 થી ઈરાનનું ટોચનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા.

આ ઉપરાંત, અલી લારીજાની, જે ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી હતા, તેમનું મોત 17 માર્ચના હુમલામાં થયું હતું. તેઓ 67 વર્ષના હતા. ઇરાની મીડિયાના જણાવ્યા અનુસાર, તેમના સાથે તેમના પુત્ર અને એક ડેપ્યુટી પણ માર્યા ગયા હતા.

ઇસ્માઇલ ખાતીબ ઈરાનના ગુપ્તચર મંત્રી હતા, જે 18 માર્ચે ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા. તેમણે ઓગસ્ટ 2021માં નાગરિક ગુપ્તચર પ્રણાલીનું નેતૃત્વ સંભાળ્યું હતું. વધુમાં, 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં થયેલા હુમલામાં IRGC કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુરનું મોત થયું હતું. 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં થયેલા હુમલામાં વાયુસેનાના અધિકારી અઝીઝ નાસિરઝાદેહનું પણ મોત થયું હતું.

ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસાવીનું 28 ફેબ્રુઆરીના રોજ એક હુમલામાં મોત થયું હતું. બાસીજ અર્ધલશ્કરી દળના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું 17 માર્ચના રોજ એક હુમલામાં મોત થયું હતું. રિવોલ્યુશનરી ગાર્ડ્સ માટે નૌકાદળ ગુપ્તચર વિભાગના વડા બેહનમ રેઝાઈનું 26 માર્ચના રોજ બંદર અબ્બાસમાં થયેલા હુમલા દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાન મારફતે ઈરાનને મળ્યો ટ્રમ્પનો પ્રસ્તાવ, ભડકેલા તેહરાને આપ્યો કંઈક આવો જવાબ

Back to top button