મર્સિડીઝ બેન્ઝે છોડ્યો નિસાનનો સાથ, 325 મિલીયન ડોલરમાં વેચ્યો હિસ્સો

નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2025: મર્સિડીઝ બેન્ઝે પોતાનો નિસાન મોટરમાં રહેલો 3.8 ટકા હિસ્સો વેચી દીધો છે, જેની કિંમત આશરે 325 મિલીયન ડોલર આંકવામા આવી છે. આ વેચાણ શેરદીઠ 341.3 યેનની કિંમતે થઇ હતી, જે નિસાનના પાછલા બંધ ભાવથી આશરે 6 ટકા ઓછી હી હતી. આ પગલાંથી નિસાનના શેરોમાં એક જ દિવસમાં આશરે 6 ટકાનો ઘટાડો થયો હતો, જે તાજેતરના મહિનામાં થયેલા ઘટાડાઓમાં સૌથી મોટો હતો.
નિસાનની લાંબી મુશ્કેલીઓ
નિસાન લાંબા સમયથી કટોકટીનો સામનો કરી રહી છે. એક સમયે રેનો-નિસાન-મિત્સુબિશી જોડાણનો મહત્વપૂર્ણ ભાગ રહેલી આ બ્રાન્ડ કાર્લોસ ઘોસનના યુગ દરમિયાન વૈશ્વિક વિસ્તરણની ઊંચાઈએ પહોંચી હતી. પરંતુ 2018માં ઘોસન સામે ગંભીર આરોપો અને તેમને પદ પરથી દૂર કર્યા પછી આ જોડાણ ખૂબ જ નબળું પડી ગયું હતું.
ત્યારથી નિસાન સતત સંઘર્ષ કરી રહી છે. જેના પરિણામે વેચાણ અને બજાર હિસ્સો ઘટ્યો હતો અને કંપનીને મોટા પાયે ખર્ચમાં ઘટાડો કરવો પડ્યો હતો. આ વર્ષે રેનોએ પણ નિસાનમાં તેનો હિસ્સો 15%થી ઘટાડીને 10% કર્યો છે, જે વિશ્વાસના અભાવનો સંકેત હતો. નિસાને એપ્રિલ-જૂન 2025માં 535 મિલિયન ડોલરનું નુકસાન નોંધાવ્યું હતું. કંપનીનું માર્કેટ કેપ હવે 10 અબજ ડોલરથી ઓછું છે અને મુક્ત રોકડ પ્રવાહ પણ નકારાત્મક થઈ ગયો છે.
નવા સીઈઓ ઇવાન એસ્પિનોસાએ એપ્રિલ 2025 માં કાર્યભાર સંભાળતી વખતે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. કંપનીએ તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 3.5 મિલિયનથી ઘટાડીને 2.5 મિલિયન યુનિટ કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, 2027 સુધીમાં, કંપની તેના વૈશ્વિક એસેમ્બલી પ્લાન્ટ્સની સંખ્યા 17 થી ઘટાડીને માત્ર 10 કરશે.
મર્સિડીઝના પગલાંની અસર
મર્સિડીઝ-બેન્ઝ કહે છે કે આ પોર્ટફોલિયો મેનેજમેન્ટનો સામાન્ય ભાગ છે. પરંતુ બજાર આને નિસાનમાં ઘટતા વિશ્વાસ તરીકે જોઈ રહ્યું છે. સંસ્થાકીય રોકાણકારોએ મોટી સંખ્યામાં શેર ખરીદ્યા હોવા છતાં, રોકાણકારોનો વિશ્વાસ હજુ પણ નબળો પડતો દેખાય છે.
નિસાન હવે બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે – જેમ કે ભૂતકાળની ભૂલોમાંથી બહાર નીકળવું અને વર્તમાન સ્પર્ધા સામે લડવું. ચીની EV કંપનીઓ ઝડપથી બજાર કબજે કરી રહી છે, અમેરિકન કંપનીઓ નફા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જાપાની હરીફ ટોયોટા ઝડપથી આગળ વધી રહી છે.
આ પણ વાંચોઃ સરકારે પાંચ મહત્ત્વપૂર્ણ ખનિજ બ્લોકની હરાજી રદ કરી












