અજીબોગરીબ જીદ: કપડાં ધોવા માટે પત્ની જોઈએ છે! બીજી પત્નીની માંગ સાથે યુવક 30 ફૂટ ઊંચી ટાંકી પર ચડ્યો

ઉત્તર પ્રદેશ: 3 જાન્યુઆરી, 2026: સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના બદાંયૂ જિલ્લાનો એક વીડિયો અત્યંત વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પાણીની ટાંકીના 30 ફૂટ ઊંચા લોખંડના સ્ટેન્ડ પર ચડી ગયો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા પાછળનું કારણ જાણીને પોલીસ અને સ્થાનિક લોકો પણ ચોંકી ગયા હતા. યુવકની માંગ હતી કે, તેના બીજી વાર લગ્ન કરાવવામાં આવે જેથી તેની નવી પત્ની તેના ગંદા કપડાં ધોઈ શકે!
હોસ્પિટલ પરિસરમાં મચ્યો હોબાળો
આ ઘટના નૂરપુર પિનૌની વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે. મુન્ના લાલ મૌર્યનો પુત્ર હરપ્રસાદ મૌર્ય અચાનક હોસ્પિટલ પરિસરમાં આવેલી પાણીની ટાંકી પર ચડી ગયો અને ઉપરથી કૂદી જવાની ધમકી આપવા લાગ્યો. હોસ્પિટલના ડૉક્ટર કુસુમે જ્યારે તેને નીચે ઉતરવા કહ્યું, ત્યારે તેણે શરત મૂકી કે જો તેના બીજા લગ્ન કરાવવામાં આવે તો જ તે નીચે ઉતરશે.
કેમ જોઈએ છે બીજી પત્ની?
જ્યારે પોલીસ તેને નીચે ઉતારીને પૂછપરછ કરી, ત્યારે હરપ્રસાદે અજીબ તર્ક આપ્યો. તેણે જણાવ્યું કે, “મેં ઘણા દિવસોથી ગંદા કપડાં પહેર્યા છે. બધાને પત્નીઓ છે, મારે પણ પત્ની જોઈએ છે જેથી તે મારા કપડાં ધોઈ શકે.”
તપાસમાં જાણવા મળ્યું કે હરપ્રસાદની પત્ની 6 વર્ષ પહેલા ઘરકંકાસને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી. તેને એક પુત્ર પણ છે જે તેની સાથે જ રહે છે.
માનસિક બીમારી અને પોલીસની કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, હરપ્રસાદ માનસિક રીતે અસ્વસ્થ છે અને અગાઉ તેની સારવાર પણ ચાલી રહી હતી. તે મજૂરી કામ માટે બહાર જતો રહે છે અને હાલમાં જ જાલંધરથી પરત ફર્યો હતો. ચોકી ઈન્ચાર્જે તેને સમજાવી-પટાવીને શાંત પાડ્યો હતો અને ત્યારબાદ તેને તેની માતાને સોંપવામાં આવ્યો હતો.












