અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં 19 PI અને 41 PSIની સામૂહિક બદલી, સાણંદની ઘટના બાદ SPની કડક કાર્યવાહી

અમદાવાદ 7 જાન્યુઆરી 2025: અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં આજે મોડી સાંજે બદલીઓનો મોટો ધડાકો થયો છે. જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા વહીવટી ક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે એકસાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 41 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. કુલ 60 અધિકારીઓની આ સામૂહિક બદલીને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

સાણંદ GIDCની ઘટના બની નિમિત્ત

આ વ્યાપક બદલીઓ પાછળ તાજેતરમાં સાણંદ GIDC વિસ્તારમાં થયેલી હિંસક જૂથ અથડામણ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સાણંદ જેવા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસની ગુપ્તચર માહિતી (Intelligence) માં ક્યાંક કચાશ રહી હોવાનું તંત્રને લાગ્યું હતું. પરિણામે, SPએ કડક કાર્યવાહી કરતા સાણંદ GIDCના જવાબદાર અધિકારીઓને હટાવી તેમને LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ) જેવી બિન-મહત્વની શાખાઓમાં મૂકી દીધા છે.

કાયદો-વ્યવસ્થા પર પોલીસની પકડ મજબૂત કરવાનો પ્રયાસ

આ બદલીઓ દ્વારા SP એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ફરજમાં બેદરકારી કે શાંતિ ભંગની ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં. સાણંદ એ વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક હબ છે, જ્યાં શાંતિ જળવાઈ રહેવી અનિવાર્ય છે. સામૂહિક બદલીઓ બાદ હવે નવા નિમાયેલા અધિકારીઓ સમક્ષ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવાનો મોટો પડકાર રહેશે.

જિલ્લા પોલીસ વડાના આ આકરા નિર્ણયથી પોલીસ આલમમાં એવી પણ ચર્ચા છે કે, આગામી દિવસોમાં હજુ પણ કેટલાક નીચલા સ્તરના કર્મચારીઓની બદલીના ગંજીપા ચીપાઈ શકે છે. હાલમાં તો 60 અધિકારીઓની આ ‘મેજર સર્જરી’ એ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: ધોરાજી મગફળી ખરીદી કેન્દ્ર પર ગુંડાગીરી: ગેરરીતિ અટકાવનાર મહિલા મજૂરોને કોન્ટ્રાક્ટરે આપી ધમકી

Back to top button