ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવક પર જીવલેણ હુમલો, પથ્થર અને પટ્ટાથી માર મારતા લોહીલુહાણ

Vadodara Crime News: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક યુવક પર ત્રણ શખસોએ મળીને હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને બાતમી આપ્યાની શંકા અને જૂની અદાવતના કારણે થયેલા આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી નજીક આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 40 વર્ષીય નિપુલ પટેલ પોતાના મિત્ર સાથે નીલકંઠ જ્વેલર્સ નજીક ઉભા હતા. તે દરમિયાન વિસ્તારના જ રહેવાસી ઉમેશ પાટીલ, કમલેશ પાટીલ અને રૂપેશ ઉર્ફે રાહુલ પાટીલ ત્યાં પહોંચી આવ્યા હતા.

આરોપીઓએ નિપુલ પટેલ પર પોલીસને માહિતી પહોંચાડવાનો તેમજ તેમના વિશે ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. નિપુલ પટેલે ગાળો બોલવાની ના પાડતાં મામલો વધુ ઉગ્ર બની ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરોપ છે કે ત્રણેય શખસોએ મળીને નિપુલ પટેલને માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલા દરમિયાન એક આરોપીએ રસ્તા પરથી પથ્થર ઉઠાવી તેમના માથા અને કપાળના ભાગે ફેંક્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ બીજા આરોપીએ પટ્ટા વડે શરીર પર આડેધડ પ્રહાર કર્યા હતા. હુમલાના કારણે તેમની આંખ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી.

હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને પોલીસને માહિતી આપવાની શંકાના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ‘600થી 700 લોકોએ દુષ્કર્મ કર્યું’: બ્રિટિશ સાંસદે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગનો પર્દાફાશ કર્યો! સંસદમાં પીડિતોના નિવેદનો વાંચ્યા

 

 

Back to top button