મણિપુરમાં ફરી હિંસા ભડકી: ઉખરુલમાં ગોળીબારી, 3નાં મોત, ઘરો સળગાવાયા, તણાવ વધ્યો

Manipur Violence: મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારે સવારે ગોળીબારીની બે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. કુકી અને નાગા જનજાતિ સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘાયલોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના જિલ્લાના મુલ્લમ ગામ નજીક બની હતી, જ્યાં સુરક્ષા દળોને સવારે લગભગ 11:25 વાગ્યે બે મૃતદેહો મળ્યા હતા. મૃતકોની ઓળખ એલ. સિતલ્હૌ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંનેના શરીર પર ગોળી વાગવાના નિશાન મળ્યા હતા અને તેઓ કેમોફ્લેજ વરદીમાં હતા.
આ પહેલાં, સવારે લગભગ 5:30 વાગ્યે મુલ્લમ ગામમાં સશસ્ત્ર ઉગ્રવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબારી થઈ હતી. આ દરમિયાન ગામના બહારના વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોને આગ લગાવવામાં આવી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મુલ્લમ અને સોંગફલ ગામોમાં બે “ગ્રામ સ્વયંસેવકો”ની હત્યા અને ઘરો સળગાવવાના બનાવની નિંદા કરી છે. સંસ્થાએ આ મામલે તાત્કાલિક FRI નોંધવાની અને સમયમર્યાદામાં તપાસ કરવાની માંગણી કરી છે.
અલગ હુમલામાં યુવાનનું મોત
એક અલગ ઘટનામાં, શુક્રવારે વહેલી સવારે ઉખરુલ જિલ્લાના સિનાકેઇથેઈ ગામ નજીક સશસ્ત્ર ઉગ્રવાદીઓ દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કામજોંગ જિલ્લાના ચાટ્રિક ખુલ્લેનના રહેવાસી 29 વર્ષીય એચ. જામંગનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય સ્વયંસેવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તાંગખુલ નાગા સમુદાયની અગ્રણી સંસ્થા તાંગખુલ નાગા લોંગે જામંગના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સિરારાખોંગ અને સિનાકેઇથેઈ વિસ્તારોમાં સતત તણાવ અને અવરોધોને ધ્યાનમાં રાખીને નાગા ગ્રામ રક્ષકોને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
તાંગખુલ નાગા સંગઠનોએ આ હુમલા માટે કુકી ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે કુકી સંગઠનોએ કોઈપણ પ્રકારની સંડોવણીને નકારી કાઢી છે.
આ તાજેતરની ઘટનાઓને લઈને હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મણિપુરની વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે કે નહીં. વારંવાર થતી હિંસક અથડામણો અને જાનહાનિ છતાં સ્થિતિ પર કાબૂ મેળવી શકાતો નથી એ શરમજનક વાત છે. પ્રશાસન દ્વારા કોઈ કડક અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે કે નહીં, તે અંગે લોકોમાં ઊંડી શંકા વ્યક્ત થઈ રહી છે. સુરક્ષા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સરકારે હવે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે. નહીં તો મણિપુર ફરી એક વખત લાંબા ગાળાની અશાંતિ અને અસ્થિરતાના ચક્રમાં ફસાઈ જશે.
આ પણ વાંચો: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત? G7 સમિટમાં બંને નેતા મળશે












