મદ્રાસ હાઈકોર્ટે મુસ્લિમ બાળકીને હિન્દુ દંપતીને સોંપવાનો આપ્યો આદેશ, કહ્યું- ‘બાળકનું કલ્યાણ સર્વોપરી’

Madras HC Milestone: કાયદો ઘણીવાર તેની કઠોરતા માટે જાણીતો હોય છે, પરંતુ મદ્રાસ હાઈકોર્ટે સાબિત કર્યું છે કે કાયદાનો અસલી હેતુ માનવતાની રક્ષા કરવાનો છે. એક હિંદુ દંપતીએ મુસ્લિમ બાળકીને કાયદેસર રીતે દત્તક લેવા માટે લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે તેમની જીત થઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકના સારા ભવિષ્ય અને ભલાઈ માટે ધર્મ કોઈ અવરોધ બની શકે નહીં.
શું હતી સમગ્ર ઘટના?
એક હિંદુ દંપતી લાંબા સમયથી સંતાન સુખથી વંચિત હતું. તેમના પડોશમાં એક મુસ્લિમ મહિલા રહેતી હતી, જેના પતિનું અવસાન થયું હતું અને તે મજૂરી કરીને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવતી હતી. ડિસેમ્બર 2023માં જ્યારે તેની ત્રીજી દીકરીનો જન્મ થયો, ત્યારે આર્થિક સંકડામણને કારણે તેણે પોતાની ખુશીથી આ બાળકી પડોશમાં રહેતા હિન્દુ દંપતીને સોંપવાનો નિર્ણય લીધો. બાળકી જન્મથી જ આ દંપતી પાસે ઉછરી અને તે તેમને જ ‘મમ્મી-પપ્પા’ કહીને બોલાવે છે.
કાનૂની લડાઈ અને હાઈકોર્ટનો માનવીય અભિગમ
જ્યારે દંપતીએ બાળકીને કાયદેસર દત્તક લેવા માટે નીચલી અદાલતમાં અરજી કરી, ત્યારે તેમની અરજી એ કહીને ફગાવી દેવામાં આવી કે બંને પક્ષોનો ધર્મ અલગ છે. ત્યારબાદ મામલો મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે માત્ર કાગળો પર વિશ્વાસ કરવાને બદલે બાળકીની સગી માતા, ભાઈ-બહેનો અને હિન્દુ દંપતીને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરી હતી.
કોર્ટના ચુકાદાના મુખ્ય અંશો:
બાળકનું હિત પ્રથમ: કોર્ટે નોંધ્યું કે બાળકી આ દંપતીને જ પોતાના માતા-પિતા માને છે અને દંપતી પણ તેને પૂરી નિષ્ઠાથી પાળી રહ્યું છે. ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ હેઠળ બાળકના ભલા માટે કોઈપણ વ્યક્તિ વાલી બની શકે છે.
ધર્મ બાધક નથી: અદાલતે આ કાયદાને ધર્મનિરપેક્ષ ગણાવતા કહ્યું કે એક હિન્દુ વ્યક્તિ મુસ્લિમ બાળકનો વાલી બની જ શકે છે. ધર્મ એ એક પાસું હોઈ શકે છે, પરંતુ તે ગેરલાયકાત નથી.
ઇસ્લામિક સિદ્ધાંતોનો ઉલ્લેખ: કોર્ટે શબનમ હાશ્મી વિરુદ્ધ કેન્દ્ર સરકારના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ઇસ્લામમાં ‘કફાલા’ જેવી વ્યવસ્થા પણ બાળકની સુરક્ષા અને સંભાળને માન્યતા આપે છે.
મદ્રાસ હાઈકોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરીને હિન્દુ દંપતીને બાળકીના કાયદેસરના વાલી જાહેર કર્યા છે. આ ચુકાદો સાબિત કરે છે કે માનવીય સંબંધો અને સ્નેહ ધર્મની સીમાઓથી ઘણા ઉપર છે.
આ પણ વાંચોઃ “અમે મા, માટી અને માનુષની સરકાર બનાવી રહ્યા છીએ”, એક્ઝિટ પોલ બાદ મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
આ પણ વાંચોઃ 13 વર્ષની બાળકી પર અત્યાચારના આરોપીને મોતની સજા, 50 વર્ષ પછી મળ્યો ન્યાય
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો











