ગુજરાતટ્રેન્ડિંગ

ચોટીલા-અમદાવાદ હાઇવે પર દોડતી લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ, મુસાફરો કાચ તોડીને બહાર કૂદ્યા

Chotila Bus Fire: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ. સાંગાણી ગામ નજીક હાઇવે પર દોડતી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે મુસાફરોમાં જીવ બચાવવા માટે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. બસના દરવાજા સુધી પહોંચવું અશક્ય બનતા મુસાફરો કાચ તોડીને બહાર કૂદ્યા હતા. સદનસીબે, બસ ચાલકની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લક્ઝરી બસ સોમનાથથી અમદાવાદ જઈ રહી હતી.

નોંધનીય છે કે, બરાબર ચાર દિવસ પહેલા જ આ સાંગાણી ગામ નજીક જ અમદાવાદથી રાજકોટ જતી બસનો અકસ્માત થયો હતો અને તે સળગી ઉઠી હતી, જેમાં ૪ મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ બીજી આવી ઘટના બનતા હાઇવે પર અરેરાટી વ્યાપી ગઈ છે.

ધૂમાડો નીકળતા જ ડ્રાઇવરે લીધો મોટો નિર્ણય

મળતી માહિતી મુજબ, સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી બસ મુસાફરોને લઈને સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ ચોટીલા પાસે સાંગાણી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક અંદરથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો.

બસના ડ્રાઇવર રાજુ ઓડેદરાએ જણાવ્યું કે, “બસ ચાલુ હતી ત્યારે અચાનક આગળના ભાગે પટ્ટો તૂટવાનો અવાજ આવ્યો હતો. શંકા જતાં મેં તરત જ બસ હાઇવેની સાઇડમાં ઊભી રાખી દીધી અને ચેક કર્યું તો આગળ એન્જિનના ભાગે આગ લાગી ચૂકી હતી.” આગ એટલી ઝડપથી ફેલાઈ કે આગળના દરવાજેથી મુસાફરોને બહાર કાઢવા મુશ્કેલ હતા. જેથી ડ્રાઇવર અને ક્લીનરે તાત્કાલિક બસના બારીના કાચ તોડી નાખ્યા હતા અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કુદાવ્યા હતા.

જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ

ગોંડલથી બસમાં સવાર થયેલા કિશન નામના મુસાફરે આપવીતી જણાવતા કહ્યું કે, બસમાં અચાનક આગ લાગતા જ અંદર અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સમયસર કાચ તૂટી જતાં અમે બધા નીચે ઉતરી ગયા અને અમારો જીવ બચી ગયો.

આગની ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સુદામા ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે પર બસ સળગવાના કારણે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ક્રેનની મદદથી બસ હટાવીને પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Iran : ઈરાનનો અમેરિકાને નવો 14 મુદ્દાનો પરમાણુ પ્રસ્તાવ: શું છે તેમાં ખાસ?

આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાતની 2,936 શાળામાં ફક્ત એક શિક્ષક, નીતિ આયોગના રિપોર્ટથી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button