અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદીઓની વૈભવી લાઈફસ્ટાઈલ, એક જ વર્ષમાં 1400થી વધુ લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન

Ahmedabad News:  અમદાવાદ હવે માત્ર ગુજરાતનું મુખ્ય વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર જ નહીં, પરંતુ ઝડપી બદલાતી જીવનશૈલી અને વૈભવી જીવનના નવા ટ્રેન્ડનું મહત્વપૂર્ણ હબ બની રહ્યું છે. શહેરમાં ઊંચી-ઊંચી ઇમારતો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવે સાથે સાથે લક્ઝુરીયસ કારોની વધતી સંખ્યા સ્પષ્ટ દર્શાવે છે કે લોકોની જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. કોરોના બાદ લોકોની વિચારસરણીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ જ્યાં લોકો બચત અને લાંબા ગાળાના રોકાણને વધુ મહત્વ આપતા હતા, ત્યાં હવે ઘણા લોકો પોતાની આવકનો એક મોટો ભાગ આરામદાયક અને વૈભવી જીવન માટે ખર્ચવા તરફ વળ્યા છે. પરિણામે, પ્રીમિયમ કાર સેગમેન્ટમાં માંગ ઝડપથી વધી રહી છે.

આંકડાઓ મુજબ, માત્ર એક વર્ષના સમયગાળામાં અમદાવાદમાં 50 લાખ રૂપિયાથી વધુ કિંમત ધરાવતી અંદાજે 1463 લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન થયું છે. આ કારો માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ વિદેશથી આયાત કરીને પણ શહેરમાં લાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેનું રજીસ્ટ્રેશન અમદાવાદ RTO હેઠળ કરવામાં આવે છે અને હવે આ પ્રીમિયમ વાહનો શહેરના રસ્તાઓ પર સામાન્ય દૃશ્ય બની રહ્યા છે.

લક્ઝરી કાર બ્રાન્ડ્સની વાત કરીએ તો BMW આ સેગમેન્ટમાં સૌથી આગળ રહી છે. એક જ વર્ષમાં લગભગ 577 BMW કાર અમદાવાદીઓ દ્વારા ખરીદવામાં આવી છે. આ ઉપરાંત મર્સિડીઝ-બેન્ઝ, રોલ્સ રોયસ, ફેરારી અને ટેસ્લા જેવી વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સની કારો પણ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહી છે. ખાસ કરીને હાઈ-એન્ડ કાર હવે માત્ર પસંદગી નથી રહી, પરંતુ ઘણા લોકો માટે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શહેરમાં રિયલ એસ્ટેટ સેક્ટર અને બિઝનેસ ક્ષેત્રના સતત વિકાસને કારણે આવકમાં વધારો થયો છે. મોટા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ટ્રેડિંગ સેક્ટરના વિસ્તરણને કારણે લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા અને લાઇફસ્ટાઇલ શો-ઓફ કલ્ચરે પણ લોકોને વધુ પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડક્ટ્સ તરફ આકર્ષિત કર્યા છે. એક સમય હતો જ્યારે કાર ખરીદવાનો નિર્ણય ખૂબ વિચારપૂર્વક લેવાતો હતો, પરંતુ હવે ઘણા લોકો માટે લક્ઝરી કાર જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. કરોડોના ફ્લેટ, હાઈ-એન્ડ ઇન્ટિરિયર અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો ઉપયોગ હવે શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય બનતો જાય છે.

ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમજ પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિના કારણે લોકો હવે ઈવી તરફ વળી રહ્યા છે. ઘણી કંપનીઓ હવે લક્ઝુરી અને ટેક્નોલોજી બંનેનો સમન્વય કરીને નવી જનરેશન માટે કાર રજૂ કરી રહી છે. BYD જેવી ઈલેક્ટ્રિક કાર કંપનીઓ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. કંપનીના પ્રતિનિધિઓ મુજબ, તેમની કારોમાં આધુનિક ઇન્ટિરિયર, રોટેટિંગ સ્ક્રીન, સ્માર્ટ ટેક્નોલોજી અને સેફ બેટરી સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. બેટરી ટેક્નોલોજી એટલી એડવાન્સ છે કે ગરમી જેવી પરિસ્થિતિમાં પણ તેની કાર્યક્ષમતા પર અસર થતી નથી.

આ કારો ચીનમાં બનાવવામાં આવે છે અને ત્યારબાદ ચેન્નઈ પોર્ટ મારફતે ભારતમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેનું વિતરણ અને રજીસ્ટ્રેશન સ્થાનિક સ્તરે પૂર્ણ થાય છે. કંપનીનું માનવું છે કે ગુજરાતમાં ઝડપથી વધી રહેલો આર્થિક વિકાસ અને યુવાનોની બદલાતી પસંદગી લક્ઝુરી ઈવી કાર માર્કેટને આગળ ધપાવી રહી છે.

કુલ મળીને જોવા જઈએ તો અમદાવાદ હવે એક એવા શહેર તરીકે વિકસતું જાય છે જ્યાં લોકો માત્ર કમાણી પર જ નહીં પરંતુ કમાયેલી રકમને જીવનશૈલીમાં પરિવર્તિત કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. લક્ઝરી કારો, આધુનિક ફ્લેટ્સ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ હવે શહેરની નવી ઓળખ બની રહી છે.

આ પણ વાંચો: ઈરાનમાં ક્યારે યુદ્ધ ખતમ થશે? અમેરિકાએ નક્કી કરી ડેડલાઈન, કહ્યું-સેના મોકલવાની જરુર નથી

 

Back to top button