ગુજરાતટ્રેન્ડિંગ

વરરાજા સાવધાન: ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો ખેલ ખતમ! લાખોની લૂંટ કરતી 3 યુવતીઓ ઝડપાઈ

અમદાવાદ, તા. 21 નવેમ્બર, 2025: બેચરાજી તાલુકાના આદિવાડા ગામના 31 વર્ષના સચિનભાઈ પટેલ નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી. તેમના લગ્ન અમદાવાદની એક યુવતી સાથે થયા હતા. લગ્નના માત્ર ચાર દિવસ પછી, યુવતીને તેનો ‘બનેવી’ (જીજાજી) રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ એવું બહાનું આપીને લઈ ગયો અને પછી તે પાછી ન આવી. જ્યારે સચિનભાઈએ છૂટાછેડાની વાત કરી, ત્યારે આરોપીઓએ 50,000 રૂપિયાની માંગણી કરી અને તેમને અમદાવાદ બોલાવ્યા. ત્યાં યુવક સાથે ઝઘડો કર્યો અને છૂટાછેડા આપવાને બદલે તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

કુલ નુકસાન: આ ટોળકીએ સચિનભાઈ પાસેથી રોકડ, દાગીના, મોબાઈલ અને કપડાં સહિત કુલ 11 લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓ પડાવી લીધી. આ અંગે પોલીસે ₹5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો.બેચરાજી પીઆઈ પી.એલ. વાઘેલાના નેતૃત્વ હેઠળની ટીમે તપાસ કરીને ત્રણ મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી.

ધરપકડ કરાયેલા આરોપીઓ:

  • ચાંદની રમેશભાઈ રાઠોડ (દુલ્હન)
  • સુશિલા ઉર્ફે સવિતા રાઠોડ (દુલ્હનની માતા બનતી મહિલા)
  • રાજેશ જીવણભાઈ ઠક્કર (બ્રોકર/બનેવી બનતો પુરુષ)
  • રશ્મિકા સચિનભાઈ પંચાલ (સૂત્રધાર અને મેરેજ બ્યુરો ચલાવતી મહિલા)

છેતરપિંડીનો મોટો આંકડો:
પોલીસ પૂછપરછમાં આ ટોળકીના કારનામા બહાર આવ્યા હતા. ચાંદની નામે યુવતીએ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રશ્મિકા નામે યુવતીએ 4 યુવકો સાથે લગ્ન કર્યા હતા. સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિ નામે યુવતીએ 2 યુવકો સાથે લગ્ન કર્યા હતા. કુલ 21 યુવકો સાથે લગ્ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

કેવી રીતે ફસાવતા હતા?
મુખ્ય આરોપી રશ્મિકા પંચાલ પોતાને ‘મેરેજ બ્યુરો’ ચલાવતી હોવાનું કહીને યુવકોને શોધતી હતી. લગ્ન કરવા માંગતા યુવક અને તેના પરિવારને પોતાની ટોળકીની યુવતી સાથે મુલાકાત કરાવતી. ખોટા સંબંધો અને લગ્નની શરતો નક્કી કરીને પૈસા અને દાગીના પડાવતી.
લગ્ન માટે યુવતીના બનાવટી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા. એક જગ્યાએ લગ્ન કરાવ્યા પછી થોડા જ સમયમાં યુવતીને ત્યાંથી ભગાડી દેવામાં આવતી અને બીજા શિકાર સાથે તેના લગ્ન કરાવી દેવાતા.

આ ટોળકીએ ગુજરાતના 10 જિલ્લાઓમાં જાળ બિછાવી હતી, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વેરાવળ અને વડોદરા સહિતના વિસ્તારોના યુવકોનો સમાવેશ થાય છે.

Back to top button