
નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2025: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ઓનલાઇન ગેમિંગ બિલને પગલે દિગ્જ કંપનીઓના પાટીયા પડવાની તૈયારીમાં છે. જેના કારણે આ ક્ષેત્રની મહાકાય કંપની Dream11ને તેનો કારોબાર સમેટવાની ક્ષણ આવી પહોંચી છે. નોંધનીય છે કે આ કંપનીની આવક રૂ. 9,000 કરોડથી વધુની છે.
ઓનલાઇન મની ગેમ્સ પરના પ્રતિબંધના બિલને પહેલા સંસદમાં અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઇ છે. આના પગલે ઓનલાઇન ગેમિંગ સાથે જોડાયેલી કંપની Dream11એ તેના રીયલ મની ગેમિંગ યુનિટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાણકાર સૂત્રોની મળેલી વિગત મુજબ Dream11 પોતાના ગેમિંગ બિઝનેસને બંધ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે સરકારનો નવો નિયમ ઓનલાઇન ગેમ્સ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવે છે. પરિણામે Dream11ના પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ ૨૮ કરોડથી વધુ યુઝર્સને આંચકો લાગ્યો છે.
ફેન્ટસી ગેમિંગ કંપની Dream11ની 2008માં શરૂ થઈ હતી. તેના સ્થાપક હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. આ પ્લેટફોર્મને જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી છે અને તે ૨૮ કરોડથી વધુ યુઝર બેઝ ધરાવે છે અને નાણાકીય વર્ષ 2023-24માં તેની કમાણી રુ. 9,600 કરોડ હતી. અહેવાલ મુજબ જોઈએ તો તેની 90 ટકા આવક રીયલ મની કોન્ટેસ્ટમાંથી જ આવે છે. તેમા ક્રિકેટ સાથે જોડાયેલી ગેમ્સનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.
ડ્રીમ સ્પોર્ટ્સના સીઇઓ હર્ષ જૈને એક ઇન્ટર્નલ નોટમાં પ્લેટફોર્મ આધારિત રીયલ મની ગેમ્સ યુનિટ સાથે જોડાયેલા કર્મચારીઓને જણાવ્યું કે નવો કાયદો અમલમાં આવતા Dream11 પાસે ચૂકવણી આધારિત ગેમ્સને ચાલુ રાખવાનો કોઈ રસ્તો નથી. કંપનીએ આ અંગે તેના કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને બદલાયેલી સ્થિતિ અંગે જણાવી દીધું છે. Dream11નું મૂલ્ય એક સમયે ૮ અબજ ડોલર પર પહોંચી હતું. તેને જાણીતા વેન્ચર કેપિટલિસ્ટોનું સમર્થન છે.
આ પણ વાંચોઃ 2025ના અંત સુધી આ ત્રણ રાશિઓ રહેશે લકી, ખૂબ મળશે માન-સન્માન, વધશે ધન-સંપતિ












