આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

જો ઇઝરાયેલ-ઇરાન વચ્ચેનો તણાવ ખતમ નહીં થાય તો જાણો ક્રૂડ અને સોનું ક્યાં પહોંચશે

નવી દિલ્હી, 16 જૂન, 2025: ઇઝરાયેલ અને ઇરાનની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયેલ દ્વારા ઇરાનને ન્યુક્લિયર પાવરમાં શક્તિશાળી બનતા રોકવા માટે તેના અગત્યના સ્થળો પર હૂમલાઓ કરવામાં આવ્યા છે. તેની સામે ઇરાને પણ વળતો હૂમલો કર્યો છે. એવામાં મિડલ ઇસ્ટના તણાવની અસર સીધી ક્રૂડ ઓઇલ પર પડતી દેખાઇ રહી છે. બજારના જાણકારોના અનુસાર જો આ તણાવ જારી રહેશે તો ક્રૂડની કિંમત બેરલદીઠ 150 ડોલરની પાર થઇ શકે છે. નોંધનીય છે કે ઇરાન પર ઇઝરાયેલી મિસાઇલો પડતા જ ક્રૂડના ભાવમાં સાતથી આઠ ટકાનો વધારો શુક્રવારે થયો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ રૂ. 78.5 ડોલરે સ્પર્શીને બાદમાં 75 ડોલરની આસપાસ આવી ગયો હતો.

મુખ્ય ઓઇલ ઉત્પાદક દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ સમાપ્ત ન થાય, તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી જે માર્ગે રિફાઇન્ડ ઉત્પાદનો અથવા LNG સપ્લાય કરવામાં આવે છે તે માર્ગ દ્વારા ઓઇલનો પુરવઠો બંધ થઈ શકે છે.

ભારત આ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓઇલ આયાત કરે છે. આવી સ્થિતિમાં, જો આ દેશોમાંથી તેલનો પુરવઠો બંધ થાય છે, તો મોટી કટોકટી ઊભી થઈ શકે છે. એક તરફ, દેશમાં ઓઇલના ભાવ વધશે, ફુગાવો વધશે, તો બીજી તરફ, ભારતે વિકલ્પ શોધવો પડશે.

અગાઉ પણ, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. રશિયા દ્વારા લગભગ 15 લાખ બેરલ ઓઇલનો દૈનિક પુરવઠો બંધ કરવામાં આવતા, બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 139 ડોલર પર આવી ગયો હતો.

બીજી બાજુ ઉપરોક્ત બન્ને દેશો તણાવ વધતા, અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના અને વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે સેફ હેવન ધાતુ તરીકે લેવાલી નીકળી આવતા તેની બીજી સૌથી મોટી અસર સોના ચાંદીના ભાવ પણ પડી છે.

શુક્રવારે, MCX પર ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ 1,00,314 રૂપિયા બંધ થયું હતું, જ્યારે ટ્રેડિંગ દરમિયાન તે 1,00,681ની ઊંચી સપાટીને પણ સ્પર્શ્યું હતું. તેનાથી વિપરીત, ચાંદીમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને તે 1,06,474 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ 1.3 ટકા વધીને ઔંસદીઠ 3428.10 ડોલરે સ્પર્શી ગયુ છે. નિષ્ણાતો માને છે કે જો ઈરાન-ઈઝરાયલ કટોકટી વધુ વધશે, તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,05,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એક અહેવાલ મુજબ, હાલમાં MCX પર 96,000 રૂપિયાનું સપોર્ટ લેવલ છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3,500 ડોલરની સપાટી પાર કરે તો 3,590 ડોલર સુધી પણ જઈ શકે છે.

તે જ સમયે, ગોલ્ડમેન સાંશે અંદાજ લગાવ્યો છે કે 2025ના અંત સુધીમાં સોનાનો ભાવ ઔંસદીઠ 3,700 ડોલર અને 2026ના મધ્ય સુધીમાં 4,000 ડોલર સુધી પહોંચી શકે છે. બેંક ઓફ અમેરિકા પણ આગામી 12 મહિનામાં સોનું 4,000 ડોલર સુધી વધવાની આગાહી કરે છે.

આ પણ વાંચોઃ સેન્સેક્સની આ 8 દિગ્ગજ કંપનીઓએ કરાવ્યું રોકાણકારોને ભારે નુકસાન

Back to top button