
નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2025ઃ Kejriwal’s allegation દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. કેજરીવાલે આજે, ગુરુવારે (28 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે અમેરિકાથી ભારતમાં આવતા કપાસ પર મોદી સરકારે ડ્યૂટી હટાવી દીધી છે. અગાઉ 11 ટકા ડ્યૂટી હતી.
જોકે, આ અંગે હકીકત એ છે કે, અમેરિકાથી આવતા ચોક્કસ પ્રકારના કપાસ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી હટાવી દેવામાં આવેલી હતી જેની મુદત સમાપ્ત થઈ રહી હોવાથી સરકારે આજે જ એ મુદત ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલે કહ્યું કે, “અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યો, આપણે કપાસ ઉપર 50 ટકા ટેરિફ લગાવવો જોઈએ હતો. પરંતુ આપણે એવું ન કર્યું.” તેમણે કહ્યું, “ખેડૂતો સાથે આ દગો છે. જ્યારે ઓક્ટોબરમાં આપણા ખેડૂતોનો કપાસ મંડીમાં આવશે, ત્યારે તેમને નજીવા ભાવે વેચવો પડશે. આનાથી ગુજરાત, પંજાબ, વિદર્ભ, તેલંગાણાના ખેડૂતોને અસર થશે.”
મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન
અરવિંદ કેજરીવાલે કહ્યું, “ચીન પર ટ્રમ્પે 145 ટકા ટેરિફ લગાવ્યો તો ચીને પણ 125 ટકા ટેરિફ લગાવ્યો, ટ્રમ્પને ઝૂકવું પડ્યું. મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન દરેક જગ્યાએ સરકારોએ ટ્રમ્પને જવાબ આપ્યો. ટ્રમ્પ એક કાયર માણસ છે, જે ટ્રમ્પની સામે ઊભા રહ્યા તેની સામે ટ્રમ્પને ઝૂકવું પડ્યું. ટ્રમ્પની સામે મોદીજી પલળેલી બિલાડી જેવા બની ગયા છે. ખબર નથી કે શું મજબૂરીઓ છે.”
તેમણે કહ્યું, “આજે આપણો દેશ બંને બાજુથી માર ખાઈ રહ્યો છે. એક તરફ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આનાથી આપણા ઘરેલું ઉદ્યોગો બંધ થવાના આરે છે. કારણ કે આપણી નિકાસ (એક્સપોર્ટ) બંધ થઈ ગઈ છે. બીજી તરફ પીએમ મોદીએ અમેરિકાથી આવતા સામાન પર ટેરિફ ખતમ કરી દીધો. અમેરિકાનો સામાન આપણે ત્યાં વેચાશે. આપણે તો ડબલ ટેરિફ લગાવી દેવો જોઈએ હતો.”
રાજ્યમાં સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૮૯ ટકા
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવ્યો તો આપણે 100 ટકા ટેરિફ લગાવવો જોઈએ. આપણી વસ્તી એટલી છે કે કોઈ પણ આપણી નારાજગી સહન નથી કરી શકતું. મોદીજી, તમે શા માટે ઝૂક્યા? આ ભારતના સન્માનનો મુદ્દો છે. હિંમત બતાવો, અમે તમારી સાથે છીએ.”
નાણાં મંત્રાલયનું નિવેદન
જોકે, આ સંદર્ભમાં વાસ્તવિકતા એ છે કે, એચએસ કોટન-5201 ઉપર આ છૂટ ઘણા સમયથી છે જેને હવે 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ બાબતે કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે, ગુરુવારે (28 ઓગસ્ટ) એક નિવેદનમાં કહ્યું કે, “નિકાસકારોને વધુ સમર્થન આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ (એચએસ 5201) પર આયાત શુલ્ક છૂટને 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.”













