ટ્રેન્ડિંગનેશનલ

“ભારતીય સમાજ દુનિયાના સૌથી મોટા રંગભેદી સમાજોમાંનો એક…” હેટ સ્પીચ કેસમાં કર્ણાટક HC ની આકરી ટિપ્પણી

કર્ણાટકઃ 7 ડિસેમ્બર, 2025: કર્ણાટક હાઇકોર્ટે શુક્રવારે (5 ડિસેમ્બર) એક કેસની સુનાવણી દરમિયાન ભારતીય સમાજ પર આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, આપણે ભારતીયો ભલે ઘણીવાર અન્ય દેશો પર રંગભેદ કે જાતિવાદનો આરોપ મૂકતા હોઈએ, પરંતુ હકીકતમાં આપણે પોતે જ “દુનિયાના સૌથી મોટા જાતિવાદી અને રંગભેદ કરનારા સમાજોમાંના એક છીએ.”

રંગભેદી માનસિકતાથી જન્મે છે તુષ્ટિકરણની નીતિ

એક ન્યૂઝ મીડિયાના એન્કર પર હેટ સ્પીચના કેસની સુનાવણી કરતા જસ્ટિસ અરુણે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ અરુણે કહ્યું કે, આપણે ભારતીયોની આ જ માનસિકતાને કારણે ભારતમાં સમુદાય આધારિત રાજનીતિ અને તુષ્ટિકરણની નીતિઓ ખૂબ સામાન્ય છે. અહીં માત્ર એક જ પ્રજાતિ છે, જેને હોમો સેપિયન્સ કહેવાય છે. આપણે દુનિયાના સૌથી મોટા જાતિવાદી સમાજોમાંના એક છીએ. અમે અન્ય સમાજો પર જાતિવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પણ હકીકત એ છે કે અમે પણ કોઈનાથી ઓછા નથી.”

જસ્ટિસ અરુણે રાજકીય પ્રણાલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સમાજના આ જ વલણને કારણે રાજકીય પક્ષો પણ ઉમેદવારની યોગ્યતા કરતાં તેના સમુદાયને વધુ મહત્ત્વ આપે છે. લોકશાહીમાં જનતાને એવો જ નેતા મળે છે, જેના તેઓ લાયક હોય છે.

બ્રિટિશ ગુલામી અને ‘નવ-ઉપનિવેશવાદ‘નું કારણ

વધુમાં જસ્ટિસ અરુણે ભારતની ગુલામી માટે પણ જાતિવાદી અને રંગભેદી વિચારસરણીને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના થોડાક હજાર અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા, કારણ કે આપણામાં તે સમયે ભારતીયતાનો કોઈ બોધ નહોતો. હવે પ્રાઈવેટ કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટરનો ‘નવ-ઉપનિવેશવાદ’ (Neo-colonialism) શરૂ થયો છે. તેનું કારણ પણ એ જ છે કે આપણે ફરી માણસને માણસના રૂપમાં ન જોવાની જૂની આદત પર પાછા ફર્યા છીએ.

હાઇકોર્ટની ટિપ્પણી

હાઈકોર્ટની આ ટિપ્પણી ન્યૂઝ એન્કર દ્વારા હેટ સ્પીચના 2023માં નોંધાયેલા કેસને રદ કરવાની માંગણીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. તેના પર કર્ણાટક સરકારની ‘સ્વાવલંબી સારથી યોજના’ પર જૂઠા અને ભડકાઉ અહેવાલો ચલાવવાનો આરોપ હતો. જસ્ટિસ અરુણે ફરિયાદીના વકીલને પૂછ્યું કે, શું રિપોર્ટમાં સ્પષ્ટપણે કોઈ તથ્યગત જૂઠ હતું? જોકે, ફરિયાદીના વકીલે માત્ર મુસ્લિમ સમુદાયનું દાનવીકરણ (Demonization) કરાયું હોવાનો દાવો કર્યો.

અંતરિમ આદેશ

જસ્ટિસ અરુણે કહ્યું કે જો રાજ્ય અને ફરિયાદી એ સાબિત ન કરી શકે કે રિપોર્ટમાં સ્પષ્ટ જૂઠ બોલવામાં આવ્યું હતું, તો ચેનલ અને એન્કરને રાહત મળી શકે છે. કોર્ટે વચગાળાનો આદેશ પસાર કર્યો છે અને આ મામલાની આગામી સુનાવણી 13 જાન્યુઆરી 2026ના રોજ થશે.

Back to top button