મકાનમાલિકે મહિલા ભાડૂઆત પર કર્યો બળાત્કાર , પીડિતાએ પોલીસને જણાવી આપવિતી

ઉત્તર પ્રદેશ 4 ઓક્ટોબર 2025: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક મકાનમાલિકની તેની મહિલા ભાડૂઆત પર વારંવાર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાયબરેલીનો એક કાર ચાલક તેના પરિવાર સાથે ભાડાના મકાનના પહેલા માળે રહેતો હતો. 20 જૂનના રોજ, તે કામ માટે શહેરની બહાર ગયો હતો. આ સમય દરમિયાન, મકાનમાલિક ઘરનું સમારકામ કરાવવા માટે નીચેના રૂમમાં રોકાયો હતો.
કામદારો ગયા પછી, તે મોડી રાત્રે ભાડૂઆતના રૂમમાં ઘૂસી ગયો અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો, ત્યારે તેણે નજીકમાં સૂતેલા તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલા ભાડૂઆતે પોતાની કરુણતા વર્ણવી
મહિલા ભાડૂઆતનો આરોપ છે કે આરોપી જ્યારે પણ તેનો પતિ બહાર હોય ત્યારે તેને ધમકી આપતો અને બળાત્કાર ગુજારતો હતો. 22 સપ્ટેમ્બરના રોજ, જ્યારે તેનો પતિ બહાર હતો, ત્યારે મકાનમાલિકે ફરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
1 ઓક્ટોબરના રોજ, જ્યારે તેનો પતિ ઘરે પાછો ફર્યો, ત્યારે મહિલાએ હિંમત ભેગી કરીને તેને પોતાના પતિને સમગ્ર વાત કહી. ત્યારબાદ દંપતી પોલીસ સ્ટેશન ગયું અને મકાનમાલિક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો.
સંમતિથી સબંધ બનાવ્યો હોવાનો દાવો
આરોપીઓએ આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેના ભાડૂઆત સાથે શારીરિક સંબંધ સંમતિથી હતો.
જોકે, પોલીસ ઓફિસર પ્રદીપ કુમાર સિંહ (કાનપુર પોલીસ) એ જણાવ્યું કે કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપોની પુષ્ટિ થઈ છે. તેમણે ઉમેર્યું, “આ પછી, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.”
આ પણ વાંચો: મહેસાણા કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક ₹ 9 લાખની લાંચ લેતા ઝડપાયો: અમદાવાદ ACBના છટકામાં સપડાયો












