ટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં ભાજપને ઝટકો! અન્નામલાઈએ ચૂંટણીની ઠીક પહેલાં છોડી મહત્ત્વની જવાબદારી

તમિલનાડુઃ 4 ફેબ્રુઆરી, 2026: તમિલનાડુના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પિતાની ખરાબ તબિયતને ટાંકીને તમિલનાડુની છ વિધાનસભા બેઠકોના ચૂંટણી પ્રભારી પદેથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે.

પિતાની સેવાને ગણાવી પ્રાથમિકતા

અન્નામલાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે આ નિર્ણયની જાણકારી તમિલનાડુ ભાજપના નેતૃત્વને આપી દીધી છે. તેમણે કહ્યું કે, “મારા પિતા હાલ ડાયાલિસિસ પર છે અને તેમની સંભાળ રાખવી એ મારી પ્રથમ ફરજ છે. મેં પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન સહિતના નેતૃત્વને વિનંતી કરી છે કે અત્યારે હું મુસાફરી કરવાની સ્થિતિમાં નથી. મને આશા છે કે પાર્ટી મારી સ્થિતિ સમજશે અને આ છ વિધાનસભા ક્ષેત્રોની જવાબદારી અન્ય કોઈને સોંપશે.”

અન્નામલાઈને સિંગાનલ્લુર, વિરુગમબક્કમ (ચેન્નાઈ), કરૈક્કુડી, શ્રીવૈકુંટમ, મદુરાઈ (દક્ષિણ) અને પદ્મનાભપુરમ (કન્યાકુમારી) જેવી મહત્વની બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

શું ચૂંટણી લડશે અન્નામલાઈ?

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ પોતે આગામી ચૂંટણી લડશે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે, “પાર્ટી મને જે પણ આદેશ આપશે, હું તે કરીશ અને તમને પણ જણાવીશ. અત્યારે હું મારા પક્ષ અને ગઠબંધનના ઉમેદવારો માટે કામ કરવા ઉત્સુક છું, પરંતુ કૌટુંબિક સ્થિતિને કારણે પ્રવાસ કરી શકું તેમ નથી.”

કોંગ્રેસનો કટાક્ષ: “ચૂંટણીનો તાવ ચઢ્યો છે”

અન્નામલાઈના રાજીનામા બાદ રાજકારણ પણ ગરમાયું છે. કિલીયુરના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ કુમારે આકરો પ્રહાર કરતા કહ્યું કે, “અન્નામલાઈને ચૂંટણીનો તાવ ચઢ્યો છે અને હારના ડરથી તેમણે રાજીનામું આપ્યું છે. કન્યાકુમારીમાં કોઈ પણ સંજોગોમાં કમળ ખીલશે નહીં.”

નોંધનીય છે કે, ભાજપના નેતૃત્વએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે અન્નામલાઈની જગ્યાએ આ મહત્વની બેઠકો પર કોની નિમણૂક કરવામાં આવશે.

 

Back to top button