બ્રિટન સાથેના FTAથી જ્વેલરીનો કારોબાર 60,000 કરોડ સુધી પહોંચશેઃ GJEPCના ચેરમેનનો દાવો

મુંબઇ, 29 જુલાઇ, 2025: ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)થવાથી બન્ને દેશો વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો કારોબાર રૂ. 60,000 કરોડ (7 અબજ ડોલર)ને સ્પર્શશે તેવુ અનુમાન છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યુ હતુ કે ભારતથી બ્રિટનમાં થનારી નિકાસ 2.5 અબજ ડોલર સુધી વધી શકે છે.
GJEPCએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS)દ્વારા 68,000 કરોડ રૂપિયાનો કારોબાર થવાનુ લક્ષ્ય રાખ્યુ છે. આ શો 30 જુલાઇથી ચાર ઓગસ્ટ સુધી મુબઇમાં યોજાનાર છે. ભણસાલીએ જણાવ્યુ હતુ કે IIJS અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. તેમાં 2,100 કંપનીઓ અને 3,600 સ્ટોલ હશે. તેમાં 1,300 ભારતીય શહેરો અને 80 દેશોમાંથી 50,000 થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. GJEPC સાઉદી અરેબિયા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) માં રૂ. 40,000 કરોડના બજારની તકનો લાભ લેવા માટે પણ તૈયારી કરી રહ્યું છે.
ટેરિફ પર ચાલી રહેલી અનિશ્ચિતતા વેપાર કામગીરીને અસર કરશે
બીજી બાજુ યુએસ ટેરિફ મોરચે ચાલી રહેલી અનિશ્ચિતતા આગામી ક્વાર્ટરમાં ભારતના વેપાર પ્રદર્શનને અસર કરી શકે છે. નાણા મંત્રાલયે માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં સ્થિર રહેશે. પ્રથમ ક્વાર્ટર સ્થાનિક પુરવઠા અને માંગના મૂળભૂત સિદ્ધાંતોનું મજબૂત ચિત્ર રજૂ કરે છે. ફુગાવો લક્ષ્ય શ્રેણીમાં રહેશે. ચોમાસાની પ્રગતિ ટ્રેક પર છે. જોકે ઉપરોક્ત જ્વેલરી આયોજનને પણ ટેરિફનો થોડોઘણો ફટકો પણ પડી શકે છે.
એક સમીક્ષા અનુસાર, સ્થાનિક અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં મજબૂતાઈ સાથે પ્રવેશી રહ્યું છે. જોકે દેશો વચ્ચે તણાવમાં વધુ કોઈ વધારો થયો નથી, વૈશ્વિક મંદી, ખાસ કરીને યુએસ, ભારતીય નિકાસની માંગ ઘટાડી શકે છે. ધીમી ધિરાણ વૃદ્ધિ અને ખાનગી રોકાણની ઇચ્છા આર્થિક ગતિમાં વેગને મર્યાદિત કરી શકે છે. S&P, ICRA અને RBI એ 2025-26 માટે વૃદ્ધિ દર 6.2 ટકા અને 6.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ NSDLથી SBI સહિત પાંચ રોકાણકારોને 39900%નો ફાયદો, 2 રૂપિયાનો શેર 800માં વેચવાની તૈયારી












