ઇઝરાયલી સેનાએ હમાસના વડાને ફૂંકી માર્યો, IDFએ કહ્યું- ‘વધુ એક સિનવાર ઠાર’

ઇઝરાયલ, 1 જૂન 2025: ઇઝરાયલે હમાસના વડાને મારી નાખવાનો દાવો કર્યો છે. આ માહિતી ઇઝરાયલી ડિફેન્સ ફોર્સના X એકાઉન્ટ પર આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “અમે ફરીથી હમાસના વડાને મારી નાખ્યો છે. તે પણ સિનવાર છે.” ઇઝરાયલે હમાસના વડા મોહમ્મદ સિનવારને મારી નાખવાની વાત કરી છે. ત્રણ દિવસ પહેલા, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પણ કહ્યું હતું કે હમાસના ગાઝા ચીફ મોહમ્મદ સિનવારને ઇઝરાયલી સેનાએ મારી નાખ્યો છે.
We eliminated the Head of Hamas, again. He happens to be a Sinwar too.
— Israel Defense Forces (@IDF) May 31, 2025
નાગરિકોને ઢાલ બનાવવામાં આવ્યા હતા
ઇઝરાયલે 14 મેના રોજ અનેક મોટા હવાઈ હુમલા કર્યા હતા. આ સમય દરમિયાન, હમાસના વડા ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, ઇઝરાયલી પીએમએ કહ્યું હતું કે સિનવાર માર્યો ગયો છે. તે જ સમયે, IDF અને શિન બેટે કહ્યું છે કે આતંકવાદીઓ યુરોપિયન હોસ્પિટલ હેઠળ બનેલા ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાં સક્રિય હતા. તેઓએ જાણી જોઈને નાગરિકોને ઢાલ બનાવીને તેમના જીવ માટે ખતરો ઉભો કર્યો હતો. આ હુમલામાં રફાહ બ્રિગેડ કમાન્ડર મુહમ્મદ શબાના અને સાઉથ ખાન યુનિસ બટાલિયનના મહદી કુઆરા પણ માર્યા ગયા છે.
મોહમ્મદ સિનવાર કોણ હતો?
મુહમ્મદ સિનવાર ભૂતપૂર્વ હમાસ ચીફ યાહ્યા સિનવારનો ભાઈ હતો, જેમને ઓક્ટોબર 2024 માં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા માર્યા ગયા હતા. ગાઝામાં બાકી રહેલા હમાસ કમાન્ડરોમાંના એક, મુહમ્મદ સિનવાર, એક બંકરમાં છુપાયેલો હતો જેનો ઉપયોગ આતંકવાદી જૂથ હમાસ કમાન્ડ સેન્ટર તરીકે કરી રહ્યું હતું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે 14 મેના રોજ ડ્રોન દ્વારા મોહમ્મદ સિનવારના ઠેકાણા પર હુમલો કરીને નાશ કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સિનવારને ખાન યુનિસની યુરોપિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
યુદ્ધવિરામ કરારમાં સુધારાની માંગ
હમાસે ગાઝા માટે અમેરિકાના તાજેતરના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપી છે અને તેમાં સુધારાની માંગ કરી છે. “કેટલાક મુદ્દાઓ પર કેટલીક નોંધો અને સુધારા છે, ખાસ કરીને યુએસ ગેરંટી, બંધકોને મુક્ત કરવાનો સમય, સહાયનો પુરવઠો અને ઇઝરાયલી દળોને પાછા ખેંચવા પર,” હમાસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. હમાસના એક અલગ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવનો હેતુ કાયમી યુદ્ધવિરામ, ઇઝરાયલનું ગાઝામાંથી વ્યાપક પાછી ખેંચવું અને સહાયનો ખાતરીપૂર્વક પ્રવાહ છે. લગભગ 20 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલી અધિકારીઓએ કામચલાઉ યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વાટાઘાટકારો એક કરારની નજીક છે.
આ પણ વાંચો : અમેરિકામાં કરોડો મધમાખીઓ ભરેલો ટ્રક પલટી ગયો, અધિકારીઓએ ચેતવણી જાહેર કરી, લોકોને બહાર નહીં નીકળવા સૂચના












