પાસપોર્ટ કે આધાર કાર્ડ નથી… તો નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદનથી દેશભરમાં વિવાદ

Indian Citizenship Document Controversy: વિદેશ મંત્રાલયના એક તાજેતરના નિવેદન બાદ દેશમાં ફરી એકવાર એ મોટો કાનૂની અને રાજકીય સવાલ ઊભો થયો છે કે આખરે ભારતનો કાયદેસરનો નાગરિક કોણ છે? આજે ભારતની મોટાભાગની જનતા પાસે એવો કોઈ સત્તાવાર દસ્તાવેજ ઉપલબ્ધ નથી જે કાનૂની રીતે સાબિત કરી શકે કે તેઓ ભારતના નાગરિક છે. કારણ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ કે પાસપોર્ટ – આ તમામ દસ્તાવેજો દેશના અલગ-અલગ કાયદાઓ અને જોગવાઈઓ મુજબ માત્ર વ્યક્તિની ‘ઓળખ પત્ર’ (Identity Cards) છે, નાગરિકતાનો અંતિમ પુરાવો નથી.
વિદેશ મંત્રાલયનું નિવેદન અને રાજકીય ગરમાવો
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપોર્ટ એ ભારતીય નાગરિકતાની સત્તાવાર ઓળખ નથી. આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે કે જો ભારત સરકાર દ્વારા જારી કરાયેલ કોઈ પણ દસ્તાવેજ નાગરિકતાનો સત્તાવાર પુરાવો ન ગણી શકાય, તો પછી ભારતીય હોવાની સાચી ઓળખ શું છે? જ્યારે સરકાર હાલમાં સમગ્ર દેશમાં એનઆરસી (NRC) કરીને નાગરિકતા પ્રમાણપત્રો જારી કરવાની સ્થિતિમાં નથી, ત્યારે સામાન્ય ભારતીયો પોતાની નાગરિકતા કયા દસ્તાવેજના આધારે સાબિત કરશે?
આ મુદ્દે વિપક્ષી નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. અસાુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, જો તમારી પાસે ભાજપની સદસ્યતા હશે તો જ તમને ભારતીય માનવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આશંકા વ્યક્ત કરી છે કે આ પ્રકારના નિવેદનો ભવિષ્યમાં દેશવ્યાપી એનઆરસી (NRC) લાગુ કરવાની આડકતરી પૂર્વતૈયારી હોઈ શકે છે.
પાસપોર્ટ એક્ટ અને બોમ્બે હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
પાસપોર્ટ અધિનિયમ 1967 (Passport Act 1967) ના નિયમોના પ્રકરણ-૨ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પાસપોર્ટ મુખ્યત્વે દેશના નાગરિકોને જારી કરવામાં આવતો એક ઓળખ અને પ્રવાસ દસ્તાવેજ (Travel Document) છે. જો કે, ઘણા દેશો વિદેશી નાગરિકોને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ન હોવાની ખાસ સ્થિતિમાં પણ પાસપોર્ટ જારી કરે છે, પરંતુ તેમાં તેમની મૂળ વિદેશી નાગરિકતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે.
બીજી તરફ, ભારતનું ચૂંટણી પંચ જ્યારે નાગરિકોનું વોટર આઈડી કાર્ડ બનાવે છે, ત્યારે ઓળખના માન્ય પુરાવા તરીકે પાસપોર્ટને સ્વીકારે છે. અત્રે નોંધનીય છે કે, ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બોમ્બે હાઈકોર્ટે ‘રઉફ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર’ના કેસમાં મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે ભારતની નાગરિકતા મુખ્યત્વે ૧૯૫૫ ના નાગરિકતા કાયદા (Citizenship Act 1955) દ્વારા જ નિયંત્રિત થાય છે, આધાર-પાન કે વોટર કાર્ડથી નહીં. પાસપોર્ટ માત્ર એક ઓળખપત્ર છે, પરંતુ ભારતીય નાગરિકોમાં એવો ભ્રમ પ્રવર્તે છે કે પાસપોર્ટ એટલે જ ભારતીયતાની પાકી ઓળખ. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અવારનવાર પાસપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીયતાની ઓળખ તરીકે ગણાવતા આવ્યા છે.
નાગરિકતા અધિનિયમ, 1955 ના માયદંડો શું છે?
નાગરિકતા અધિનિયમ, 1955 મુજબ ભારતની નાગરિકતા મુખ્યત્વે જન્મ, વંશ, રજીસ્ટ્રેશન (નોંધણી) અથવા કોઈ ભૌગોલિક હિસ્સાના ભારતમાં વિલીનીકરણના આધારે નક્કી થાય છે. આ કાયદા હેઠળ જન્મ અને વંશના આધારે નાગરિકતા નક્કી કરવાના ત્રણ મુખ્ય માપદંડો છે:
જે વ્યક્તિનો જન્મ 26 જાન્યુઆરી 1950 થી 1 જુલાઈ 1987 ની વચ્ચે ભારતમાં થયો હોય.
જે વ્યક્તિનો જન્મ 1 જુલાઈ 1987 થી 3 ડિસેમ્બર 2004 ની વચ્ચે થયો હોય અને તેના માતા કે પિતામાંથી કોઈ એક ભારતના કાયદેસરના નાગરિક હોય.
જે વ્યક્તિનો જન્મ 3 ડિસેમ્બર 2004 પછી ભારતમાં થયો હોય અને તેના માતા-પિતા બંને ભારતીય નાગરિક હોય અથવા એક ભારતીય હોય અને બીજા ગેરકાયદેસર પ્રવાસી ન હોય.
NRC અને આસામનો કડવો અનુભવ
ભારત સરકાર વર્ષ 1951 થી જ નાગરિકતાની સત્તાવાર યાદી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. બંધારણના અનુચ્છેદ 11 અને નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 14એ હેઠળ નાગરિકતા નક્કી કરવા માટે એનઆરસી (NRC) માં નામ હોવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. વર્ષ ૧૯૫૧ માં દેશમાં એનઆરસીની શરૂઆત થઈ હતી, પરંતુ 2003 ના નાગરિકતા નિયમોમાં એનઆરસી અને એનપીઆર (NPR) ની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2004 માં કલમ 14એ ઉમેરીને દેશમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) બનાવવું ફરજિયાત કરાયું હતું.
વર્ષ 2019 માં જ્યારે નાગરિકતા સુધારા કાયદો (CAA) અને દેશવ્યાપી એનઆરસી લાગુ કરવાની ચર્ચા શરૂ થઈ, ત્યારે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટમાં આશરે ૨૫૦ થી વધુ અરજીઓ દાખલ થઈ હતી અને દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. આ વિવાદની સૌથી મોટી અસર આસામમાં જોવા મળી હતી, જ્યાં સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ એનઆરસી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આસામમાં ૩.૩૦ કરોડ લોકોએ એનઆરસીમાં નામ નોંધાવવા માટે અરજી કરી હતી, જેમાંથી જરૂરી દસ્તાવેજોના અભાવે ૧૯ લાખથી વધુ લોકોના આશાસ્પદ આવેદનો રદ થયા હતા અને ૩.૧૧ કરોડ લોકોને જ કાયદેસરના ભારતીય નાગરિક માનવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર રાજકીય વલણોના આધારે એનઆરસીના નામે એવા લોકોના નામ કાપી શકે છે જે સત્તાધારી પક્ષના સમર્થક નથી.
આ પણ વાંચોઃ AIIMSનો મોટો નિર્ણય, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! દર્દીઓની વિગતો પોસ્ટ કરવા પર થઈ શકે છે કાર્યવાહી
આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીના સમર્થક પર લોખંડની રોડથી હુમલો, SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવાની માંગ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












