ટ્રેન્ડિંગનેશનલ

‘અમને કોઈની મંજૂરીની જરૂર નથી’ રશિયન ક્રૂડ ઓઇલ માટે ટ્રમ્પની છૂટ પર ભારતનું નિવેદન

નવી દિલ્હીઃ 7 માર્ચ, 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વ (મિડિલ ઈસ્ટ) માં અરાજકતાનો માહોલ છે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના પુરવઠા અને વધતી કિંમતો વચ્ચે ભારત સરકારે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માર્ગે સર્જાયેલા તણાવ છતાં ભારતે મક્કમતાથી જણાવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે સૌથી સસ્તું તેલ જે પણ દેશમાંથી મળશે ત્યાંથી ખરીદવાનું ચાલુ રાખશે.

“ભારતને તેલ મેળવવામાં કોઈ મુશ્કેલી નથી”

સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતને તેલના પુરવઠામાં કોઈ સમસ્યા નથી. ભારત હવે પહેલા કરતા વધુ દેશો પાસેથી તેલ ખરીદી રહ્યું છે. અગાઉ ભારત 27 દેશો પાસેથી તેલ લેતું હતું, જે હવે વધીને 40 દેશો થયા છે. ભારતને તેલ ખરીદવા માટે કોઈ પણ દેશની પરવાનગીની જરૂર નથી. અમેરિકા દ્વારા આપવામાં આવેલી અસ્થાયી છૂટછાટ છતાં ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

રશિયા પાસેથી તેલની આયાત કેમ મહત્વની?

તાજેતરમાં અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય કંપનીઓને સમુદ્રમાં અટવાયેલું રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપી છે. દુનિયાનું અંદાજે 20% કાચું તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગે પસાર થાય છે, જે હાલ યુદ્ધના કારણે જોખમમાં છે. આવી સ્થિતિમાં રશિયા પાસેથી મળતું સસ્તું તેલ ભારત માટે ‘લાઇફલાઇન’ સમાન સાબિત થઈ રહ્યું છે.

તેલની કિંમતોમાં તોતિંગ વધારો

શુક્રવારે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં 8.5% નો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં કુલ કિંમતોમાં 30% સુધીનો વધારો થઈ ચૂક્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે મિડિલ ઈસ્ટમાં તણાવ ત્યારે જ ખતમ થશે જ્યારે ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે.

Back to top button