વાનખેડેમાં ‘અય્યર મેજિક’: શ્રેયસ અય્યરે હવામાં ઉછળીને પકડ્યો ‘કેચ ઑફ ધ સીઝન’

Shreyas Iyer Catch Hardik Pandya: IPL 2026ની એક હાઈ-વોલ્ટેજ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ફિલ્ડિંગમાં જે પરાક્રમ કર્યું તે જોઈને દિગ્ગજ ખેલાડીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં અય્યરે બાઉન્ડ્રી લાઈન પર એક અશક્ય લાગતો કેચ ઝડપીને હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગો કર્યો હતો.
શું હતી એ ઐતિહાસિક ક્ષણ?
મુંબઈની ઈનિંગની 17.3 ઓવર ચાલી રહી હતી અને હાર્દિક પંડ્યા ફોર્મમાં જણાતો હતો. પંજાબના બોલર માર્કો યાનસેને ઑફ-સ્ટમ્પની બહાર ધીમો બોલ ફેંક્યો, જેના પર હાર્દિકે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ બેટની નીચેના ભાગે વાગીને હવામાં ઊંચે ઉછળ્યો. એવું લાગતું હતું કે બોલ સુરક્ષિત જગ્યાએ પડશે, પરંતુ લોંગ-ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા શ્રેયસ અય્યરે ડાબી બાજુ લાંબી દોડ લગાવી અને હવામાં ડાઈવ મારીને બોલ પકડી લીધો.
View this post on Instagram
અદભૂત એથ્લેટિસિઝમ અને ટીમ વર્ક
કેચ પકડ્યા બાદ અય્યરનું બેલેન્સ બગડ્યું અને તે બાઉન્ડ્રી લાઈનની બહાર જઈ રહ્યો હતો. આ જ ક્ષણે હવામાં રહીને જ તેણે ગજબની સ્ફૂર્તિ બતાવી અને બોલને હવામાં ઉછાળી નજીક ઉભેલા ઝેવિયર બાર્ટલેટ તરફ ફેંક્યો. બાર્ટલેટે આરામથી કેચ પૂરો કર્યો. ભલે સ્કોરબોર્ડ પર ‘Caught Bartlett’ લખાયું હોય, પણ આ વિકેટ સંપૂર્ણપણે શ્રેયસ અય્યરની રણનીતિ અને ફિલ્ડિંગના નામે રહી.
રોહિત અને સૂર્યા પણ રહી ગયા દંગ
આ કેચ જોઈને મુંબઈ ઇન્ડિયન્સના ડગઆઉટમાં બેઠેલા રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવના હોશ ઉડી ગયા હતા. હાર્દિક પંડ્યા પણ પોતાની ૧૪ રનની ઈનિંગ બાદ આ રીતે આઉટ થતા આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. અય્યરના આ પ્રયાસને સ્ટેડિયમમાં હાજર તમામ પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વધાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સે ક્વિન્ટન ડીકોકની અણનમ 112 રનની સદી અને નમન ધીરના 50 રનની મદદથી 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ Breaking News : મિડલ ઈસ્ટથી આવ્યા મોટા સમાચાર, ટ્રમ્પે કરી જાહેરાત
આ પણ વાંચોઃ જય શાહની વૈશ્વિક સિદ્ધિ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ‘યંગ ગ્લોબલ લીડર્સ 2026’ની યાદીમાં મળ્યું સ્થાન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












