સ્પોર્ટ્સ

IPL 2026: રોમાંચક જંગમાં બેંગ્લોરનો છેલ્લા બોલે વિજય, મુંબઈ ઇન્ડિયન્સ ટુર્નામેન્ટમાંથી બહાર

RCB vs MI IPL 2026: IPL 2026માં રાયપુર ખાતે રમાયેલી એક અત્યંત રોમાંચક અને લો-સ્કોરિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવીને સનસનાટી મચાવી દીધી છે. છેલ્લા બોલ સુધી ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં બેંગ્લોરે 167 રનનો ટાર્ગેટ ચેઝ કરી વિજય મેળવ્યો હતો. આ હાર સાથે મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે, જ્યારે બેંગ્લોર સતત બે હાર બાદ ફરીથી પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું છે.

ભુવનેશ્વર કુમારનો પાવરપ્લેમાં કહેર

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે ત્રીજી જ ઓવરમાં મુંબઈના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યું હતું. તેણે રોહિત શર્મા (22 રન) અને સૂર્યકુમાર યાદવને સતત બે બોલમાં આઉટ કરીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. જોકે, ત્યારબાદ નમન ધીર અને તિલક વર્માએ 82 રનની મજબૂત ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. તિલક વર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી, પરંતુ 18મી ઓવરમાં ફરી એકવાર ભુવનેશ્વર ત્રાટક્યો અને તિલકને આઉટ કર્યો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવી શકી હતી. ભુવનેશ્વરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

RCBની લડખડાતી શરૂઆત અને કૃણાલનો સંઘર્ષ

167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત પણ આઘાતજનક રહી હતી. દીપક ચહરે પોતાની પ્રથમ ઓવરમાં જ વિરાટ કોહલીને શૂન્ય રને આઉટ કર્યો હતો. વિરાટ સતત બીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નહોતો. પાવરપ્લેમાં જ કોહલી, દેવદત્ત પડિકલ અને રજત પાટીદારની વિકેટો ગુમાવ્યા બાદ RCB મુશ્કેલીમાં મુકાયું હતું. આ કપરા સમયે કૃણાલ પંડ્યા અને જેકબ બેથેલે 55 રનની ભાગીદારી કરી ટીમને મેચમાં પાછી લાવી હતી. પગમાં ઈજા હોવા છતાં કૃણાલ પંડ્યાએ લડાયક બેટિંગ કરી માત્ર 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેને જીતેશ શર્માનો પણ સારો સાથ મળ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

છેલ્લા બોલનો રોમાંચ

મેચ જ્યારે અંતિમ ઓવરમાં પહોંચી ત્યારે બેંગ્લોરને જીતવા માટે 15 રનની જરૂર હતી. રાજ અંગદ બાવાની આ ઓવરમાં રોમારિયો શેફર્ડ આઉટ થતા ઉત્તેજના વધી ગઈ હતી, પરંતુ ભુવનેશ્વર કુમારે મેદાનમાં આવતાની સાથે જ સિક્સર ફટકારી સમીકરણો બદલી નાખ્યા હતા. છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી ત્યારે રસિક સલામે બે રન દોડીને બેંગ્લોરને યાદગાર વિજય અપાવ્યો હતો. આ જીતના હીરો ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યા રહ્યા હતા.

આ પણ વાંચો: CSK vs LSG: 8 છગ્ગા, 2 ચોગ્ગા અને 13 બોલમાં ફિફ્ટી… ઉર્વિલ પટેલે રચ્યો IPLનો નવો ઈતિહાસ

Back to top button