આઈપીએલ 2025 : કોલકાતાએ ટોસ જીત્યો, ગુજરાત પ્રથમ બેટીંગ કરશે

કોલકાતા, 21 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે (21 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટક્કર ગુજરાત ટાઈટન્સ સાથે થઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઇ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ગુજરાત ટાઇટન્સે વર્તમાન IPL સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે એટલી જ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે 112 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે KKRને તેની પાછલી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેઓ 95 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 4 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સે 2 મેચ જીતી હતી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર 1 મેચ જીતી શકી છે. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.












