બિઝનેસ

ઇન્ડિગોની પેરેન્ટ કંપનીને ચોથા ક્વાર્ટરમાં કરોડોની મોટી ખોટ, શેર 3% તૂટ્યો

IndiGo Q4 Results 2026: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) ની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને માર્ચ 2026 ના ચોથા ક્વાર્ટરના આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં ₹2,536 કરોડની મોટી ચોખ્ખી ખોટ (Net Loss) નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹3,068 કરોડનો મોટો નફો થયો હતો. સ્થાનિક ફ્લાઇટ્સ પર ક્ષમતા નિયંત્રણો, નબળો પડતો રૂપિયો, વધતો સંચાલન ખર્ચ અને ઉડ્ડયન ઇંધણ (ATF) ના આસમાને પહોંચેલા ભાવોને કારણે કંપનીની નફાકારકતા પર ભારે દબાણ આવ્યું છે.

આવકમાં થોડો વધારો, પરંતુ પડકારો યથાવત

પરિણામો અનુસાર, ભારે નુકસાન છતાં કંપનીની કાર્યકારી આવકમાં નજીવો વધારો જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને ₹22,438 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹22,152 કરોડ હતી. આ ઉપરાંત, કંપનીએ ₹250 કરોડનો એક વખતનો વધારાનો ખર્ચ પણ ભોગવવો પડ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર વિપરીત અસર પડી હતી, જેના લીધે મુસાફરોની સંખ્યા 1.1% ઘટીને 31.6 મિલિયન થઈ ગઈ છે, અને પેસેન્જર લોડ ફેક્ટર ઘટીને 85.8% નોંધાયું છે. નબળા પરિણામોને પગલે આજે ઇન્ડિગોનો શેર 3% ગગડીને ₹4420 પર બંધ થયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિમાન અને એન્જિન ખરીદી પર વિશેષ ધ્યાન

ભવિષ્યના ભાડા અને સંચાલન ખર્ચને નિયંત્રિત કરવા માટે ઇન્ડિગોના બોર્ડે તેની પેટાકંપની ‘ઇન્ટરગ્લોબ એવિએશન ફાઇનાન્શિયલ સર્વિસીસ IFSC પ્રાઇવેટ લિમિટેડ’ ના ફાઇનાન્સ લીઝ પેમેન્ટ્સની પૂર્વ ચુકવણીને મંજૂરી આપી છે. કંપની હપ્તાવાર $450 મિલિયન (અંદાજે ₹3700 કરોડથી વધુ) સુધીની ચુકવણી કરશે. આ રકમનો ઉપયોગ નવા વિમાનો, એન્જિન અને સ્પેરપાર્ટ્સની સીધી ખરીદી માટે કરવામાં આવશે, જેથી એરલાઇનની પોતાની માલિકીના વિમાનોનો કાફલો વધી શકે.

નાણાકીય વર્ષ 2026 અત્યંત મુશ્કેલ રહ્યું: રાહુલ ભાટિયા

ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર એવિએશન સેક્ટર માટે નાણાકીય વર્ષ 2026 અત્યંત પડકારજનક રહ્યું છે. જો કે, બાહ્ય મુશ્કેલીઓ છતાં કંપનીનો મુખ્ય વ્યવસાય મજબૂત છે. આખા વર્ષ દરમિયાન કંપનીની ક્ષમતામાં 9.5% અને કુલ આવકમાં 6% થી વધુનો ગ્રોથ નોંધાયો છે. તેમણે ઉમેર્યું કે, જો વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ) ની વધઘટ અને વન-ટાઇમ આઇટમ્સને બાદ કરવામાં આવે, તો કંપનીએ વાસ્તવિક રીતે ₹7500 કરોડનો ઓપરેટિંગ નફો મેળવ્યો છે.

આ પણ વાંચો: શું ચલણી નોટ બની જશે ઈતિહાસ? વિશ્વના આ દેશોમાં ચાલે છે પોલિમર નોટો, RBI પણ ટેક્નોલોજી અપનાવવાની તૈયારીમાં

Back to top button