ટ્રેન્ડિંગનેશનલ

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! હવે 10 કલાક પહેલાં જ મળી જશે વેઇટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ

નવી દિલ્હી: 17 ડિસેમ્બર, 2025: ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રેલવે બોર્ડે એક અત્યંત રાહતજનક નિર્ણય લીધો છે. હવે મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેની જાણકારી ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા મળી જશે. રેલવે બોર્ડે ઈતિહાસમાં પ્રથમ વખત રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ધરખમ ફેરફાર કર્યો છે.

ચાર્ટ તૈયાર થવાનો નવો સમય

રેલવેના નવા નિયમ મુજબ, ટ્રેન ઉપડવાના સમયના આધારે ચાર્ટ નીચે મુજબ તૈયાર કરવામાં આવશે:

  • સવારે 5:00 થી બપોરે 2:00 વાગ્યા વચ્ચેની ટ્રેનો:આ ટ્રેનોનો પ્રથમ રિઝર્વેશન ચાર્ટ અગાઉના દિવસે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે.
  • બપોરે 2:01 થી રાત્રે 11:59 અને રાત્રે 12:00 થી સવારે 5:00 વચ્ચેની ટ્રેનો:આ ટ્રેનો માટે પ્રથમ ચાર્ટ ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા તૈયાર થઈ જશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અત્યાર સુધી રેલવેનો નિયમ હતો કે ટ્રેન ઉપડવાના માત્ર 4 કલાક પહેલા જ ચાર્ટ તૈયાર થતો હતો. આ જૂની સિસ્ટમને કારણે મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વેઈટિંગ લિસ્ટ કે RAC ના મુસાફરોને છેલ્લી ઘડી સુધી ખબર પડતી નહોતી કે તેમની સીટ કન્ફર્મ થઈ છે કે નહીં. દૂરના વિસ્તારોમાંથી આવતા મુસાફરો ઘણીવાર ચાર્ટ બન્યા પહેલા જ સ્ટેશન પહોંચી જતા હતા અને ટિકિટ કન્ફર્મ ન થતા તેમને નિરાશ થઈ પરત ફરવું પડતું હતું.

મુસાફરીનું આયોજન:

રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચાર્ટ વહેલો તૈયાર થવાથી મુસાફરો તેમની મુસાફરીનું આયોજન વધુ સારી રીતે અને તણાવમુક્ત રીતે કરી શકશે.

ઝોનલ રેલવેને અપાયા નિર્દેશો

રેલવે મંત્રાલયે આ નવા ફેરફાર અંગે તમામ ઝોનલ રેલવે ડિવિઝનોને જરૂરી સૂચનાઓ જારી કરી દીધી છે. મુસાફરો તરફથી લાંબા સમયથી મળી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવેએ આ ઐતિહાસિક સુધારો અમલમાં મૂક્યો છે. હવે મુસાફરોને સ્ટેશન પર અંધારામાં રહેવું પડશે નહીં.

Back to top button