ટ્રેન્ડિંગનેશનલ

120 વર્ષમાં ભારતના 63 શહેરોમાં બદલાઈ વરસાદની પેટર્નઃ નવા સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા

Climate Change: ભારતીય શહેરોમાં ઝડપથી વધતા શહેરીકરણ વચ્ચે હવે હવામાનનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 120 વર્ષમાં ભારતના મોટા શહેરોમાં વરસાદની પેટર્નમાં મોટા ફેરફારો આવ્યા છે. Indian Institute of Technology Hyderabad અને University of Colorado Boulderના વૈજ્ઞાનિકોએ 1901થી 2022 સુધીના વરસાદના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસમાં ભારતના 63 મોટા શહેરોના વરસાદના ટ્રેન્ડને સમજવામાં આવ્યો છે.

ક્યાંક ભારે વરસાદ, ક્યાંક વરસાદમાં ઘટાડો

અભ્યાસમાં જાણવા મળ્યું કે બધા શહેરોમાં વરસાદનો ફેરફાર એકસરખો નથી. કેટલાક શહેરોમાં ઓછા સમયમાં અતિભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે શહેરી પૂર અને પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે. જ્યારે કેટલાક શહેરોમાં કુલ વરસાદ અને ચોમાસાની વરસાદી માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિ ભવિષ્યમાં પાણીની અછત અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

1950થી 1970 વચ્ચે થયા મોટા ફેરફારો

શોધ મુજબ વરસાદની પેટર્નમાં સૌથી મોટા બદલાવ 1950થી 1970ના દાયકામાં જોવા મળ્યા હતા. પશ્ચિમ તટીય વિસ્તારોના ઘણા શહેરોમાં ચોમાસાના વરસાદમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે કેટલાક શહેરોમાં ભારે વરસાદની ઘટનાઓ વધી છે. બેંગલુરૂ જેવા શહેરોમાં તાજેતરના વર્ષોમાં અચાનક ભારે વરસાદના કેસ વધ્યા છે, જેના કારણે શહેરી પૂરનો ખતરો વધી રહ્યો છે.

વૈજ્ઞાનિકોએ નવી ટેકનિકથી શોધ્યા વરસાદના બદલાવ

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ સામાન્ય સરેરાશ પદ્ધતિની જગ્યાએ નવી આંકડાકીય ટેકનિકનો ઉપયોગ કર્યો છે. ચેન્જ પોઈન્ટ એનાલિસિસ દ્વારા એ શોધવામાં આવ્યું કે કયા વર્ષથી વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર શરૂ થયો. સાથે જ 30થી 55 વર્ષના સમયગાળાની મૂવિંગ વિન્ડો પદ્ધતિથી લાંબા સમયના હવામાન પરિવર્તનને સમજવામાં આવ્યું.

શહેર પ્રમાણે અલગ જોખમ

અભ્યાસમાં વરસાદના બદલાવને ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે, તો કેટલાક શહેરોમાં સતત વરસાદ ઘટી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો વધ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી સંકટ ઊભું થઈ શકે છે. એટલે આખા ભારત માટે એક જ હવામાન નીતિ પૂરતી નહીં રહે. દરેક શહેર માટે અલગ આયોજન જરૂરી બનશે.

જૂની હવામાન ગણતરી પદ્ધતિ પર સવાલ

અત્યાર સુધી વૈજ્ઞાનિકો લાંબા સમયના સરેરાશ આંકડા પરથી હવામાનનું અનુમાન કરતા હતા, પરંતુ આ અભ્યાસ બતાવે છે કે માત્ર સરેરાશ આંકડા હંમેશા સાચી સ્થિતિ દર્શાવતા નથી. વરસાદની પેટર્ન કેટલાક દાયકાઓ સુધી બદલાઈ શકે છે અને પછી ફરી બદલાઈ શકે છે.

ભવિષ્ય માટે શહેરોએ બદલાવ સ્વીકારવો પડશે

અભ્યાસમાં નિષ્ણાતોએ સૂચન કર્યું છે કે હવે શહેરોએ બદલાતા હવામાન મુજબ આયોજન કરવું પડશે. જ્યાં ભારે વરસાદ વધી રહ્યો છે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ મજબૂત કરવી પડશે, જ્યારે વરસાદ ઘટતા વિસ્તારોમાં પાણી બચાવવાની નીતિઓ અપનાવવી પડશે. બદલાતા હવામાનને સમયસર સમજીને પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં પૂર, પાણીની અછત અને હવામાન સંબંધિત જોખમોથી લાખો લોકોને બચાવી શકાય છે.

આ પણ વાંચોઃ ભણતરનું ભારણ : રાજ્યમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓના આપઘાત, અસહ્ય દબાણ અને બેરોજગારી મુખ્ય કારણ
Back to top button