ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

India vs Japan: વાઇડ આપ્યો… પછી પાછો ખેંચી લીધો! જાપાન સામેની છેલ્લી ઓવરમાં એમ્પાયરિંગ પર ઉઠ્યા સવાલો

India vs Japan T20 : ભારતે વરસાદથી પ્રભાવિત પાંચ-પાંચ ઓવરની મેચમાં જાપાનને 2 રનથી હરાવ્યું, પરંતુ છેલ્લી ઓવરમાં વાઇડનો નિર્ણય બદલવા પર વિવાદ ઊભો થયો છે. જાપાનને જીતવા માટે 8 રન જોઈતા હતા, ત્યારે અક્ષર પટેલના બોલ પર પહેલા વાઇડ આપવામાં આવ્યો. બંને એમ્પાયરોની ચર્ચા બાદ બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો અને વધારાનો રન પાછો ખેંચી લેવામાં આવ્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારત અને જાપાન વચ્ચે મંગળવારે રમાયેલી એકમાત્ર T20I મેચમાં રોમાંચની સાથે વિવાદ પણ જોવા મળ્યો. વરસાદથી પ્રભાવિત આ મુકાબલામાં ભારતે જાપાનને માત્ર 2 રનથી હરાવ્યું. પરંતુ મેચની છેલ્લી ઓવરમાં વાઇડના નિર્ણયને પલટાવવા પર સવાલો ઊભા થયા છે. આ મેચ 22 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી.
જાપાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રન જોઈતા હતા. અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર તેમણે એલેક્ઝાન્ડર શિરાઈ-પેટમોરના લેગ સાઈડમાં બોલ ફેંક્યો. બેટ્સમેને રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ મિસ થઈ ગયો.
મેદાન પરના એમ્પાયર ક્રિસ થર્ગેટે તેને વાઇડ જાહેર કર્યો. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર આ નિર્ણયથી ખુશ નહોતા અને તેમણે સ્ક્વેર લેગ એમ્પાયર ક્રિસ બ્રાઉન સાથે વાત કરી. આ પછી બંને એમ્પાયરોએ ચર્ચા કરી અને વાઇડનો નિર્ણય બદલી નાખ્યો. બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો અને જાપાનને મળેલો વધારાનો રન પાછો ખેંચી લેવાયો. આ નિર્ણય મેચના પરિણામની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે જાપાનની ટીમ અંતે લક્ષ્યથી માત્ર 2 રન દૂર રહી ગઈ.

5 ઓવરમાં ભારતનો પરસેવો છૂટી ગયો

વરસાદ અને મેદાનમાં ભેજના કારણે આ મુકાબલો માત્ર 5-5 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. પીચ પર રહેલા ભેજને કારણે બોલને અપેક્ષા કરતાં વધુ ટર્ન મળી રહ્યો હતો. તેનો ફાયદો જાપાનના સ્પિનરોએ ઉઠાવ્યો અને ભારત જેવી મજબૂત બેટિંગ લાઈન-અપને માત્ર 32/4 રન પર રોકી દીધી. ભારતે પોતાની ઇનિંગ્સમાં માત્ર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જાપાનના ડાબોડી સ્પિનર ચાર્લી હારા-હિન્ઝે 17 રનમાં 2 અને ઓફ સ્પિનર ઇબ્રાહિમ તાકાહાશીએ 13 રનમાં 1 વિકેટ ઝડપી હતી.
અભિષેક શર્મા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. હારા-હિન્ઝના બોલ પર તેણે સ્લોગ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ શોટ મિસટાઇમ થયો. તાકાહાશીએ સંજુ સેમસનને ફ્લાઇટ આપીને ફસાવ્યો. સેમસન 10  રન બનાવી મિડ-વિકેટ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો.
ત્યારબાદ બેન્જામિન ઇટો-ડેવિસે ઇશાન કિશનને 3 રન પર આઉટ કર્યો. ઇશાન સતત ટર્ન સામે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને મિડ-ઓફ પર કેચ આપી બેઠો. શ્રેયસ અય્યરે 16 રન બનાવ્યા અને એક ચોગ્ગો પણ ફટકાર્યો, પરંતુ પીચ પર ક્રોસ-ધ-લાઇન શોટ રમવો સરળ નહોતો.

છેલ્લી ઓવરમાં અક્ષરે ભારતને જીત અપાવી

32 રનના નાનકડા લક્ષ્યનો પીછો કરતા જાપાને ભારતને બરાબરનું પરસેવે રેબઝેબ કરી દીધું હતું. રવિ બિશ્નોઈની ત્રીજી ઓવરમાં 10 રન આવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે અંતિમ ઓવર પહેલાંની ઓવરમાં 7 રન આપ્યા હતા. સુંદરે 2/13ના આંકડા સાથે બોલિંગ કરી હતી.
ત્યારબાદ જાપાનને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. અક્ષર પટેલ પાસે અનુભવ હતો અને તેણે તેનો પૂરતો ઉપયોગ કર્યો. 150થી વધુ IPL મેચ રમનારા અક્ષરે શિરાઈ-પેટમોર અને બેન્જામિન ઇટો-ડેવિસને ખુલીને શોટ રમવાની તક ન આપી. વરસાદના કારણે આઉટફિલ્ડ પણ ધીમું થઈ ગયું હતું, જેનો ફાયદો ભારતને મળ્યો. અંતે જાપાનની ટીમ 2 રન પાછળ રહી ગઈ અને ભારતે અત્યંત રોમાંચક મેચ પોતાના નામે કરી લીધી.

આ પણ વાંચોઃ SS Retail IPO/ 103 ગણું સબસ્ક્રિપ્શન, આ તારીખે લિસ્ટિંગ થશે

Back to top button