ટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં ફરી હિંસા, કુકી ઉગ્રવાદીઓના હુમલામાં બે બાળકોના મોત, માતા ગંભીર

National News: મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં આજે (7 એપ્રિલ) એક અત્યંત દુખદ અને આઘાતજનક ઘટના બની હતી. કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ અને રોકેટ હુમલામાં બે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તારમાં મધ્યરાત્રિએ આશરે એક વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે ઉગ્રવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલો બોમ્બ સીધો એક રહેણાંક મકાન પર આવીને પડ્યો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરમાં સૂઈ રહેલા પાંચ વર્ષના બાળક અને માત્ર પાંચ મહિનાની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ઓઇલ ટેન્કરોમાં લગાવાઈ આગ

આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને નજીકના પેટ્રોલ પંપ પાસે ઉભેલા બે ઓઇલ ટેન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ મોઇરાંગ પોલીસ સ્ટેશન સામે ટાયરો સળગાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને એક અસ્થાયી પોલીસ ચોકીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ભીડને કાબૂમાં લેવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

મણિપુરના ઈમ્ફાલ અને અન્ય ચાર જિલ્લાઓમાં ઇન્ટરનેટ તાત્કાલિક બંધ

રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાના પગલે તકેદારી રાખતા ઈમ્ફાલ અને અન્ય ચાર સંવેદનશીલ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. હિંસા વધુ ન ફેલાય તે માટે પ્રશાસન દ્વારા કેટલાક વિસ્તારોમાં કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ હુમલાને ‘બર્બર કૃત્ય’ ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ માનવતા પરનો હુમલો છે અને રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ જઘન્ય અપરાધ માટે જવાબદાર તત્ત્વોને શોધી કાઢીને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે.

સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓએ પણ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એનપીપીના સ્થાનિક ધારાસભ્ય ટી શાંતિ સિંહે આ ક્રુર હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઘટનાને અંજામ કુકી નાર્કો-આતંકવાદીઓએ આપ્યો છે. આ કૃત્ય આતંકવાદથી ઉતરતું નથી. તેની પર સખત કાર્યવાહી થવી જોઈએ. હું જીવ ગુમાવનાર પાંચ વર્ષીય બાળક અને પાંચ મહિનાની બાળકીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું, તેના પરિવાર માટે મારી ઉંડી સંવેદનાઓ છે.

મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તાર પહાડી અને મેદાની વિસ્તારોની સરહદ પર આવેલો હોવાથી અહીં અગાઉ પણ જાતિય હિંસા દરમિયાન અનેકવાર ગોળીબારની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થો છુપાયેલા નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ મણિપુરમાં ફરી એકવાર તણાવભરી સ્થિતિ પેદા કરી દીધી છે.

મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ગઈકાલે સોમવારના રોજ ભાજપના કાર્યકર્તાઓને તેના 47મા સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે પાર્ટી પૂર્વોત્તરને પ્રેમ કરે છે. સિંહે આસામના જીરીબામ જિલ્લા અને કછારનો ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ઇમ્ફાલ પરત ફરતી વખતે નોને જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં જાહેરાત કરી હતી કે મણિપુરની પ્રાદેશિક અખંડિતતા હંમેશા જાળવી રાખવામાં આવશે. સિંહે એક્ટ ઇસ્ટ નીતિનો શ્રેય પીએમ મોદીને આપ્યો, જેનો ઉદ્દેશ્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો માટે આંતર-એશિયાઈ હાઇવે ખોલવાનો છે. મુખ્યમંત્રીએ મણિપુરના વિકાસ માટે તમામ શક્ય સમર્થનની ખાતરી આપવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ ભારત દેશમાં પરમાણુ ઉર્જા વિકલ્પ બની શકે, આત્મનિર્ભરતા માટે નવી દિશા

Back to top button