ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 59 તાલુકામાં મેઘમહેર, જુઓ આંકડા

અમદાવાદ, તા. 22જુલાઈ, 2025: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 એમ 12 કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ, રાજ્યમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જલાલપોરમાં 3.07 ઈંચ, નવસારીમાં 2.2 ઈંચ, કડાણામાં 1.46 ઈંચ, ગણદેવીમાં 1.3 ઈંચ, ઉમરગાવમાં 1.02 ઈંચ વરસાદ પડ્યો હતો. 54 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં મોસમનો સરેરાશ 54.14 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 63.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.73 ટકા, પૂર્વ મધ્યમાં 50.73 ટકા, સૌરાષ્ટ્રમાં 56.82 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 54.14 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ 57.77 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 60.56 ટકા જળસંગ્રહ છે. 48 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 28 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.

અરવલ્લીમાં 5, બનાસકાંઠામાં 3, વડોદરામાં 2, છોટા ઉદેપુરમાં 1, મહિસાગરમાં 1, સુરતમાં 1, નવસારીમાં 6, વલસાડમાં 2, જામનગરમાં 1, સુરેન્દ્રનગરમાં 1, ભાવનગરમાં 1, જુનાગઢમાં 2, અમરેલીમાં 5, પોરબંદરમાં 1 મળી કુલ 32 રોડ રસ્તા બંધ છે.

ગુજરાતમાં ચોમાસાની બીજા રાઉન્ડની શરૂઆત વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોને ડિજિટલી સશક્ત બનાવશે આ એપ, મળશે A to Z માહિતી












