ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માનવ અંગોની તસ્કરીનો પર્દાફાશઃ બાંગ્લાદેશી માસ્ટરમાઈન્ડ સહિત છ ઝડપાયા

  • મોટાભાગના ડોનર અને રિસીવર બાંગ્લાદેશથી છે જેમને સર્જરી માટે બનાવટી દસ્તાવેજોના આધારે ભારતમાં લાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 11 જુલાઇ: દિલ્હી પોલીસ દ્વારા માનવ અંગોની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે બાંગ્લાદેશ અને દિલ્હી-NCRમાં ચાલતા કથિત માનવ અંગોની તસ્કરીના રેકેટમાં આજે ગુરુવારે બાંગ્લાદેશી માસ્ટરમાઈન્ડ અને દિલ્હી સ્થિત ડૉક્ટર સહિત ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરી છે. મહિલા ડૉક્ટર જે હવે દક્ષિણપૂર્વ દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે કામ કરે છે, તેણી કથિત રીતે 2021 અને 2023 વચ્ચે બાંગ્લાદેશના કેટલાક લોકોની સર્જરીમાં સામેલ હતી તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત સૂચનાના આધારે બે મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના ડોનર અને રિસીવર બાંગ્લાદેશથી છે જેમને સર્જરી માટે બનાવટી દસ્તાવેજોના આધાર પર ભારતમાં લાવવામાં આવ્યા હતા. મહિલા ડૉકટરે કથિત રીતે નોઇડા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરતી હતી જ્યાં તે મુલાકાતી સલાહકાર હતી. આ ઉપરાંત ધરપકડ કરાયેલા ડોકટરના એક સહાયક અને ત્રણ બાંગ્લાદેશી નાગરિકો સહિત ચાર અન્યની પણ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે સપ્તાહના સમયગાળામાં આ ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસ કમિશ્નરે શું કહ્યું?

2019થી ચાલી રહેલા આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ અંગે દિલ્હી પોલીસ કમિશ્નર અમિત ગોયલે કહ્યું કે, “તેઓ દરેક ટ્રાન્સપ્લાન્ટ માટે 25-30 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા.જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેના બે-ત્રણ હોસ્પિટલો સાથે કનેક્શન છે. આ કેસમાં તેણી જાણતી હતી કે ડોનર અને રિસીવર લોહીથી સંબંધિત નથી તેમ છતાં તેણી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં મદદ કરતી હતી તેથી આ કૃત્ય ડૉક્ટરને કાવતરાનો એક ભાગ બનાવે છે.”

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે શું કહે છે ભારતીય કાયદો? 

હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ ઓફ ઈન્ડિયા (2014) એક્ટ મુજબ, અંગ દાન માત્ર માતા-પિતા અને ભાઈ-બહેન જેવા નજીકના લોહીના સંબંધીઓ પાસેથી જ થઈ શકે છે. કોઈપણ ભારતીય જીવંત ડોનર વિદેશી રિસીવરને તેના અંગોનું દાન કરી શકે નહીં સિવાય કે તે રિસીવરનો નજીકનો સંબંધી હોય. તેમજ આ ટ્રાન્સપ્લાન્ટને માન્ય ગણવા માટે રિસીવર અને ડોનર વચ્ચેના સંબંધને રિસીવરના દૂતાવાસે પ્રમાણિત કરવું આવશ્યક છે. આ કિસ્સાઓ પણ ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે કોઈ ભારતીય દર્દી અંગ દાન માટે લાયક ન હોય.

આ પણ જુઓ: અતીક અહેમદનો વકીલ હિસ્ટ્રીશીટર જાહેર, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જુઓ કેટલા કેસ છે નોંધાયેલા?

Back to top button