‘વર્ક ફ્રોમ હોમ’ ક્યાંક ટેન્શન હોમ ન બની જાય! ઘરેથી કામ કરતી વખતે તણાવ મુક્ત રહેવાની આ રહી સરળ ટિપ્સ
Work From Home Stress Relief: કોરોના કાળ બાદ વૈશ્વિક સ્તરે ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘરેથી કામ કરવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. આ વ્યવસ્થાથી ઓફિસ આવવા-જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે અને સમયની પણ બચત થાય છે. જોકે, ઘરેથી કામ કરવું એટલું સરળ પણ નથી. સતત ઓનલાઈન રહેવું, બેક-ટુ-બેક મીટિંગ્સ, ઈમેલ અને મેસેજના તાત્કાલિક જવાબ આપવાનું દબાણ માનસિક તણાવ વધારે છે. જ્યારે ઘર જ ઓફિસ બની જાય છે, ત્યારે કામના કલાકો આપોઆપ લંબાઈ જાય છે. નિષ્ણાતોના મતે, કેટલીક સરળ આદતો અપનાવીને આ ચિંતા અને સ્ટ્રેસને મિનિટોમાં ગાયબ કરી શકાય છે.
ઘરમાં જ એક અલગ કાર્યસ્થળ નક્કી કરો
ઘરેથી કામ કરતી વખતે ક્યારેય પરિવારના સભ્યોની વચ્ચે કે સોફા પર આડા પડીને કામ ન કરવું જોઈએ. આનાથી કામમાં વિક્ષેપ પડે છે અને આળસ વધે છે. તમારા ઘરના કોઈ શાંત ખૂણામાં એક ચોક્કસ વર્કસ્પેસ બનાવો. આનાથી તમે ઓફિસની જેમ જ એકાગ્રતા સાથે નિર્ધારિત શિફ્ટ પૂર્ણ કરી શકશો અને માનસિક બોજ ઓછો થશે.
કામની વચ્ચે 10 થી 15 મિનિટનો શોર્ટ બ્રેક લો
કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી ચિંતા અને થાક વધે છે. દર થોડા કલાકે 10 થી 15 મિનિટનો વિરામ લેવો અનિવાર્ય છે. આ સમય દરમિયાન હળવું સ્ટ્રેચિંગ કરો અથવા રૂમમાં જ થોડું ચાલો. જો કોઈ સહકર્મી કે મિત્ર સાથે ફોન પર વાત કરવી હોય, તો તે ચાલતા ચાલતા કરવાની આદત પાડો.
સવારની શરૂઆત ધીમેથી અને એનર્જી સાથે કરો
હવે જ્યારે ઓફિસ પહોંચવાની કોઈ ઉતાવળ નથી, ત્યારે સવારે વહેલા જાગીને સીધા લેપટોપ ખોલવાની ભૂલ ન કરો. સવારની શરૂઆત શાંતિથી કરો. ખુલ્લી હવામાં 3 થી 4 મિનિટ ઊંડા શ્વાસ લો (Deep Breathing). ત્યારબાદ 5 થી 10 મિનિટ યોગ કે ધ્યાન કરો અને પૌષ્ટિક નાસ્તો લો. આ દિનચર્યા તમને આખો દિવસ એનર્જી આપશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓફિસ અવર્સ પછી નોટિફિકેશનથી બનાવો અંતર
તમારી શિફ્ટનો સમય પૂરો થતાં જ ઓફિસના ઇમેઇલ્સ, ચેટ્સ અને નોટિફિકેશન બંધ કરી દો. લોગ-આઉટ થયા પછી ડિજિટલ દુનિયાથી અંતર રાખવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, નહીં તો તણાવ ક્યારેય ઓછો નહીં થાય.
વીકેન્ડમાં 30 થી 40 મિનિટ પ્રકૃતિ સાથે વિતાવો
શનિવાર અને રવિવારના રજાના દિવસોમાં ઓફિસના કામથી સંપૂર્ણપણે દૂર રહો. સપ્તાહના અંતે સવારે મોર્નિંગ વોક, સાયકલિંગ અથવા પ્રકૃતિ વચ્ચે સમય વિતાવો. માત્ર 30 થી 40 મિનિટની આવી શારીરિક પ્રવૃત્તિ તમારા મૂડને ફ્રેશ કરી દેશે અને આગામી સપ્તાહ માટે તમને ઉર્જાવાન બનાવશે.
આ પણ વાંચો: Health Tips : સવારની આ આદતો તમારા હૃદય માટે હાનિકારક હોઈ શકે છે











