ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈને હોબાળોઃ અસામાજિક તત્ત્વોએ કરી તોડફોડ

જમ્મુ-કાશ્મીરઃ 5 સપ્ટેમ્બર, 2025: Jammu-Kashmir: કાશ્મીરની પ્રખ્યાત હઝરતબલ દરગાહ એક નવા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. અહીં તાજેતરમાં બનેલા ગેસ્ટ હાઉસના શિલાન્યાસ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ સ્થાપિત થયા બાદ હોબાળો થઈ રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે દરગાહ પરિસરમાં આ પ્રતિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. પરંતુ કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ છે. વિરોધ એટલો વધી ગયો કે કેટલાક લોકોએ પ્રતિકને નુકસાન પણ પહોંચાડ્યું.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોઈપણ પવિત્ર સ્થળ પર રાષ્ટ્રીય પ્રતિક ન હોવું જોઈએ, કારણ કે તે તેમના ધર્મની પરંપરાઓની વિરુદ્ધ છે. તેમની દલીલ છે કે, તેઓ ત્યાં પ્રાર્થના કરે છે અને કોઈપણ પ્રતિક અથવા વસ્તુ સામે માથું નમાવવું તેમના ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય પ્રતિકની તોડફોડ કરનારાઓની ઓળખ થઈ ગઈ છે અને તેઓ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે. આ કેસને રાષ્ટ્રીય પ્રતિકનું અપમાન કહેવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ હિંસાને લઈને કાર્યવાહી કરવામાં આવશે.

વકફ બોર્ડના અધ્યક્ષ દરક્શાં અંદ્રાબી દ્વારા હુમલો

જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડના અધ્યક્ષ અને ભાજપ નેતા દરક્શાં અંદ્રાબીએ આ ઘટનાને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શપથ લેતી વખતે ધારાસભ્યો બંધારણનું સન્માન કરવાની શપથ લે છે, પરંતુ અહીં રાજકારણ અને ધર્મનું મિશ્રણ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમુક નેતાઓની ઉશ્કેરણી પર કેટલાક ગુંડાઓએ આ વિવાદ ઊભો કર્યો હતો. જો રાષ્ટ્રીય પ્રતિક સામે આટલો બધો વાંધો છે, તો શું લોકો દરગાહમાં જતી વખતે પોતાની નોટો છોડી દેશે? કારણ કે નોટો પર પણ અશોક સ્તંભ છપાયેલો છે.

FIR અને ભૂખ હડતાળની ચેતવણી

અંદ્રાબીએ માંગ કરી હતી કે, અશોક સ્તંભના પ્રતિક તોડનારાઓ સામે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે. સોશિયલ મીડિયા પર આ ઘટના શેર કરનાર ધારાસભ્ય સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અંદ્રાબીએ ચેતવણી આપી હતી કે જો દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે.

આ પણ વાંચોઃ BCCI ના આગામી પ્રમુખ કોણ? ઉચ્ચ સ્તરીય બેઠકમાં નામ નક્કી થશે, જાણો કોણ છે રેસમાં

આ પણ વાંચોઃ અર્શદીપ સિંહ એશિયા કપમાં રચશે ઇતિહાસ, માત્ર એક વિકેટ લેતાની સાથે જ એક ખાસ ‘સદી’ ફટકારશે

Back to top button