ગુજરાત: રાજ્યમાં 2 વર્ષમાં વિદેશી દારૂ પકડાયાનો આંકડો જાણી દંગ રહેશો

- ગુજરાતમાં વિદેશી-દેશી દારૂ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે
- હપ્તારાજને કારણે દારૂના દૂષણને કાબૂમાં લઈ શકાય તેમ નથી
- ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યાં હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવાઓ દારૂ-ડ્રગ્સના બંધાણી બન્યાં છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં ક્લબોમાં ચાલતી દારૂની મહેફિલ-પાર્ટી ચાલે છે. હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડીલિવરી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂછુટ્ટી એ જ ખબર પડતી નથી. બુટલેગરો બેફામ બન્યાં છે. એટલું જ નહીં, હપ્તારાજને કારણે દારૂના દૂષણને કાબૂમાં લઈ શકાય તેમ નથી.
ગુજરાતમાં વિદેશી-દેશી દારૂ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે
ગુજરાતમાં વિદેશી-દેશી દારૂ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે તે જોતાં ગુજરાતની ઓળખ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાતમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર પકડાયુ છે. ગુજરાતમાં હવે ડ્રગ્સ પેડલરોનું પણ વ્યાપક નેટવર્ક છે જેના કારણે શહેરો જ નહીં, હવે તો ગામડાઓમાં પણ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. ગાંજો, અફીણ તો ઠીક, પણ હેરોઈન સહિત ડ્રગ્સ પણ બેફામપણે વેચાણ થઈ રહ્યુ છે. બે વર્ષમાં 3955 કરોડનું અફીણ, ગાંજો, હેરોઇન સહિત ડ્રગ્સ પકડાયું છે. આટલા વિશાળ જથ્થામાં દારૂ-ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે સવાલ એ છે કે, દારૂ-ડ્રગ્સનો આટલો વિશાળ જથ્થો પકડાઈ રહ્યો છે તો પાછલા બારણે કેટલુ વેચાતુ હશે તેની કલ્પના કરવી રહી.
ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યાં હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી
ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને કારણે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને ડામવુ અઘરૂ બન્યુ છે. આ ઉપરાંત છેક ઉપર સુધી હપ્તારાજ હોવાથી બુટલેગરોને ઉની આંચ આવે તેમ નથી. પોલીસનો જાણે હવે ડર જ રહ્યો નથી. ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યાં હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા PG સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, NOC ફરજિયાત












