
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહ્યું, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જોકે ભારે વરસાદ પડે તેવી સ્થિતિ હાલ દેખાતી નથી.
માત્ર ભરૂચમાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર ભરૂચ જિલ્લામાં અંદાજે 1 મિમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ 12 જુલાઈના સેટેલાઇટ ચિત્રોમાં ગુજરાત પર વાદળોની આવરણી ખૂબ ઓછી જોવા મળી હતી, જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના નબળી હોવાનું હવામાન વિભાગનું માનવું છે.
ભાવનગર અને સુરેન્દ્રનગર સૌથી ગરમ
વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થયો હતો. ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે રાજ્યમાં સૌથી વધુ રહ્યું. અન્ય શહેરોમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાઈ હતી.
બે હવામાન પ્રણાલીની અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે હવામાન પ્રણાલીઓ સક્રિય છે. આ બંનેની અસરને કારણે રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે વરસાદનું પ્રમાણ વ્યાપક કે ભારે રહે તેવી શક્યતા હાલ ઓછી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દરિયાકાંઠે પવનનું જોર વધશે
ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40થી 55 કિમી પ્રતિ કલાક અને ઝાપટાં દરમિયાન 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદમાં હજુ વરસાદની રાહ
અમદાવાદ શહેરમાં આગામી બે-ત્રણ દિવસ સુધી મુખ્યત્વે શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ખાસ શક્યતા હાલ દર્શાવવામાં આવી નથી.
રાજ્યમાં સરેરાશ 20 ટકા વરસાદની ઘટ
ચાલુ ચોમાસામાં અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદની સરખામણીએ સરેરાશ 20 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજીયનમાં આશરે 13 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 28 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
જોકે માત્ર જુલાઈ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ અલગ છે. જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 76 ટકા અને ગુજરાત રિજીયનમાં 63 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં જુલાઈ મહિનામાં સરેરાશ 67 ટકા વધુ વરસાદ થયો છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવમાં પણ સામાન્ય કરતાં 155 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ચોમાસું કેમ પડ્યું ધીમું?
IMDના જણાવ્યા મુજબ 9 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ વિકસી નથી. પરિણામે ચોમાસાના પવનોને પૂરતો ભેજ મળ્યો નથી. ઉપરાંત મોનસૂન ટ્રફ પણ તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ ખસી જતાં મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટા ભાગમાં વરસાદી પ્રવૃત્તિ ઘટી ગઈ છે.
હાલ વરસાદનું મુખ્ય કેન્દ્ર ઉત્તર ભારત, પૂર્વીય રાજ્યો અને ઉત્તર-પૂર્વીય વિસ્તારો સુધી સીમિત છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગમાં ચોમાસું ફરી સંપૂર્ણ રીતે સક્રિય થાય તેવી શક્યતા ઓછી છે, જોકે ગુજરાતમાં સ્થાનિક હવામાન પ્રણાલીઓના કારણે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો: અંબાજીમાં દાનચોરીનો વીડિયો ફરી ચર્ચામાં, નોટોનું બંડલ સંતાડતો કર્મચારી કેમેરામાં કેદ












