ગુજરાતટોપ ન્યૂઝ

હવે અકસ્માતમાં મદદ કરનાર નહીં ફસાય, જાણો સરકારની નવી ગાઇડલાઇન

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યમાં માર્ગ અકસ્માતો બાદ ઇજાગ્રસ્તોને ઝડપથી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે મહત્વપૂર્ણ નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવાનો અને “ગોલ્ડન અવર” દરમિયાન તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવાનો છે.

આ નવા નિયમો અનુસાર રાજ્યના તમામ આરોગ્ય તંત્રને વધુ સક્રિય અને સંકલિત રીતે કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સર્જનને નેશનલ એમ્બ્યુલન્સ કોડ (AIS-125)નું સંપૂર્ણ પાલન કરવાનું આદેશ આપવામાં આવ્યો છે, જેથી એમ્બ્યુલન્સ સેવા વધુ સુવ્યવસ્થિત બની શકે.

એમ્બ્યુલન્સ સિસ્ટમમાં મોટો ફેરફાર

રાજ્યની તમામ સરકારી તેમજ ખાનગી એમ્બ્યુલન્સ માટે એક સેન્ટ્રલાઈઝ્ડ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. દરેક એમ્બ્યુલન્સમાં જરૂરી મેડિકલ સાધનો, જીવનરક્ષક દવાઓ અને તાલીમબદ્ધ સ્ટાફ હોવો ફરજિયાત રહેશે. ડ્રાઈવર અને પેરામેડિકલ સ્ટાફ માટે Basic Life Support (BLS) અથવા Advanced Life Support (ALS) ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મદદ કરનારને જલદી મુક્ત કરાશે

નવી ગાઇડલાઇનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ “ગુડ સમરિટન” નિયમ છે. હવે અકસ્માત સમયે ઈજાગ્રસ્તની મદદ કરનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની કાનૂની હેરાનગતિમાંથી સંપૂર્ણ મુકિત આપવામાં આવશે. હોસ્પિટલોમાં આવી વ્યક્તિ પાસેથી કોઈ નાણાંકીય માહિતી અથવા વ્યક્તિગત વિગતો માંગવામાં નહીં આવે અને તેમને તરત જ મુક્ત કરવામાં આવશે. તમામ હોસ્પિટલોમાં આ નિયમ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને મળશે જીવન બચાવવાની તાલીમ

અકસ્માત સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ સાથે મળીને શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ફર્સ્ટ-એઇડ અને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન)ની વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો હેતુ યુવાનોને ઇમરજન્સી સ્થિતિમાં જીવ બચાવવા સક્ષમ બનાવવાનો છે.

અકસ્માતોના મુખ્ય કારણો

વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માર્ગ અકસ્માતોના મુખ્ય કારણોમાં ઝડપી વાહનચાલન, ટ્રાફિક નિયમોનો ભંગ, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ અને કેટલાક વિસ્તારોમાં ખરાબ રસ્તાની સ્થિતિ સામેલ છે.

વાહનોની સુરક્ષા અને ટેક્નોલોજી

અધિકારીઓએ જણાવ્યું કે આધુનિક કારોમાં એરબેગ, ABS, ESC, લેન ડિપાર્ચર વોર્નિંગ અને બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ જેવા સેફ્ટી ફીચર્સ અકસ્માતોની ગંભીરતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. વાહન ખરીદતી વખતે NCAP સેફ્ટી રેટિંગ તપાસવાની પણ સલાહ આપવામાં આવી છે.

સલામતી માટેની સૂચનાઓ

અંતમાં, વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા, ઝડપ નિયંત્રણમાં રાખવા, સીટબેલ્ટ પહેરવા અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. નિયમિત વાહન સર્વિસિંગ પણ અકસ્માત નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નવી ગાઇડલાઇનથી રાજ્યમાં માર્ગ સલામતી વધુ મજબૂત બનશે અને અકસ્માતોમાં જીવ બચાવવાનો દર પણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના પેન્શનરો માટે મોટી રાહત, હવે ઘરે બેઠા નિઃશુલ્ક મળશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

 

Back to top button