ચૂંટણી પહેલા ઉકેલ નહીં તો ચૂંટણી બહિષ્કાર અને અસહકાર આંદોલન- પ્રહલાદ મોદી

Ahmedabad News: ગુજરાતમાં રેશન વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલા હજારો દુકાનધારકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી (વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ)એ આજે અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના રેશન સંચાલકોની પડતર માગણીઓ અને ચાલુ મુશ્કેલીઓનો કોઈ ઉકેલ આગામી ચૂંટણી પહેલા નહીં આવે તો સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર સાથે અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે.
સાબરમતી ઝોનમાં પાયલોટ પ્રોજેક્ટની વિસંગતતાઓ
એસોસિએશનના પ્રમુખે ખાસ કરીને અમદાવાદ શહેરની સાબરમતી ઝોનલ કચેરીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા CBDC-આધારિત ડિજિટલ ફૂડ કુપન (Digital Food Currency) પાયલોટ પ્રોજેક્ટની વિસંગતતાઓ તરફ ધ્યાન દોર્યું છે. આ પ્રોજેક્ટમાં પંજાબ નેશનલ બેંક (PNB) સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. એસોસિએશને આરોપ મૂક્યો છે કે, આ યોજના અમલમાં આવ્યા પછી વિતરણ વ્યવસ્થામાં સર્જાઈ રહેલી ખામીઓ વધી રહી છે અને પુરવઠા વિભાગ બેંકના શરણે જતું રહ્યું છે.
આ પાયલોટ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2026માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્ણા ગ્રેન ATM, QR કોડ આધારિત વિતરણ અને CBDC વોલેટ એપ (PNB Digital Rupee એપ) દ્વારા ડિજિટલ ફૂડ કુપન્સનો ઉપયોગ થાય છે. સરકારના મતે આ પ્રોજેક્ટ પારદર્શિતા વધારશે અને લીકેજ રોકશે, પરંતુ દુકાનધારકોને તેમાં ટેક્નિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રહલાદ મોદીના અગાઉના આંદોલનો
પ્રહલાદ મોદી ગુજરાતમાં ફેર પ્રાઇસ શોપ માલિકોના લાંબા સમયથી પ્રમુખ છે. તેઓ અગાઉ પણ કમિશન વધારા, ન્યૂનતમ ગેરંટી અને અન્ય 20 જેટલી માગણીઓ માટે સરકાર સામે આંદોલન કરી ચૂક્યા છે. નવેમ્બર 2025માં પણ તેમણે 17,000થી વધુ દુકાનોના અનિશ્ચિતકાલીન સ્ટ્રાઇકની જાહેરાત કરી હતી અને સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં આંદોલન ચાલુ રાખ્યું હતું.
હાલમાં એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે, જો રાજ્ય સરકાર આ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો ચૂંટણી બહિષ્કાર સહિતના આંદોલનની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આનાથી રાજ્યના લાખો રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અસર થઈ શકે છે.
અત્યાર સુધી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી આ અલ્ટીમેટમ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. CBDC પાયલોટને સરકાર ‘ડિજિટલ સત્યાગ્રહ’ તરીકે વર્ણવે છે અને તેને વિકસિત ભારતના બ્લુપ્રિન્ટ તરીકે જુએ છે.
આ પણ વાંચો: ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાએ કેમ આપ્યું રાજીનામું? રાજકારણમાં જોડાશે?












