‘પ્રોપર્ટી કાર્ડ’ કેવી રીતે કઢાવશો અને કયા ડોક્યુમેન્ટ જોઈશે?, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Property Card Gujarat: મોટાભાગના લોકો દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ કે 7/12ના ઉતારા વચ્ચે ગુંચવાઈ જાય છે. તમારી જમીનની માલિકીનો સાચો અને છેલ્લો પુરાવો દસ્તાવેજ નહીં, પણ સિટી સર્વે વિસ્તાર માટે ‘પ્રોપર્ટી કાર્ડ’ અને ગામડા માટે ‘7/12 અને 8-અના ઉતારા’ છે. તમે તમારી મિલકતાના માલિક છો કે નહિ તેના પુરાવા તરીકે પ્રોપર્ટી કાર્ડ ખૂબ જ જરૂરી છે.
પ્રોપર્ટી કાર્ડ શું છે
પ્રોપર્ટી કાર્ડ અને 7/12 ઉતારો એ સરકારના મહેસૂલી રેકોર્ડ (Revenue Record) છે. જ્યારે તમે દસ્તાવેજના આધારે મહેસૂલી કચેરીમાં અરજી કરો છો, ત્યારે સરકારી ચોપડે જૂના માલિકનું નામ હટાવીને તમારું નામ માલિક તરીકે લખવામાં આવે છે. આ પ્રોસેસને ‘નોંધ દાખલ કરાવવી’ કે ‘મ્યુટેશન એન્ટ્રી’ કહે છે. આ રેકોર્ડ જ તમારી માલિકીનો ઓફિશિયલ સરકારી પુરાવો છે.
પ્રોપર્ટી કાર્ડ ન હોય તો શું નુકસાન થાય?
જો તમારી પાસે પ્રોપર્ટી કાર્ડ કે 7-12નો ઉતારો નથી તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. તેનો અર્થ એ છે કે તમે એ પ્રોપર્ટીના માલિક હોવાનું તમારી પાસે કોઈ પ્રુફ જ નથી. તમારી મિલકત પર છેતરપિંડી થઈ શકે છે. કોઈ તેની પર લોન લઈ શકે છે. બીજા કોઈને વેચીને છેતરપિંડી કરી શકે છે. ભવિષ્યમાં તમારા વારસદારોને મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરવામાં પણ કાયદાકીય મુશ્કેલીઓ પડી શકે છે. જમીન કે મકાન સંબંધિત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ રેકોર્ડ જરૂરી છે.
હવે ગામનાં મકાનોને પણ મળશે પ્રોપર્ટી કાર્ડ
પહેલાં ગામડામાં ફક્ત ખેતીની જમીનનો જ રેકોર્ડ રહેતો હતો, રહેણાક મકાનોનો કોઈ ઓફિશિયલ માલિકી પુરાવો નહોતો. હવે કેન્દ્ર સરકારની ‘સ્વામિત્વ યોજના’ હેઠળ ડ્રોન ટેકનોલોજીથી ગામડાના રહેણાક વિસ્તારોનો સર્વે કરીને દરેક ઘર માલિકને તેમનું ‘પ્રોપર્ટી કાર્ડ’ આપવામાં આવી રહ્યું છે. એનાથી ગ્રામીણ નાગરિકોને પોતાની રહેણાક મિલકત પર લોન લેવામાં અને વેચાણ કરવામાં સરળતા રહેશે.
પ્રોપર્ટી કાર્ડ કે 7/12 કેવી રીતે કઢાવશો?
હવે તમારે મામલતદાર કે તલાટીની કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ગુજરાત સરકારના iORA (Integrated Online Revenue Applications) પોર્ટલ પરથી ડિજિટલી સાઈન કરેલો કાયદેસર પુરાવો સરળતાથી મેળવી શકો છો.
સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
- સૌપ્રથમ ગૂગલ પર iora.gujarat.gov.in વેબસાઈટ ખોલો. https://anyror.gujarat.gov.in/
- હોમપેજ પર DIGITALLY SIGNED ROR (ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના નંબર) પર ક્લિક કરો.
- તમારો 10 આંકડાનો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP મેળવીને લોગઇન કરો.
- હવે ગ્રામ્ય (Rural) કે શહેરી (Urban) રેકોર્ડનો વિકલ્પ પસંદ કરો.
- શહેરી રેકોર્ડ (પ્રોપર્ટી કાર્ડ) માટે તમારો જિલ્લો, સિટી સર્વે ઓફિસ, વોર્ડ અને સિટી સર્વે નંબર (CTS No.) દાખલ કરો.
- જો તમને તમારો નંબર ખબર ન હોય તો જૂના દસ્તાવેજોમાં તપાસી શકો છો અથવા ‘e-Milkat’ પોર્ટલ પરથી પણ શોધી શકો છો.
- જરૂરી વિગતો ભરીને નજીવી ફી ઓનલાઈન ચૂકવો.
- ચુકવણી થતાં જ તમે ડિજિટલ સિગ્નેચર સાથેનું કાયદેસર પ્રોપર્ટી કાર્ડ કે 7/12 PDF ફોર્મેટમાં તરત જ ડાઉનલોડ કરી શકશો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રોપર્ટી કાર્ડ માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
- માલિકીનો પુરાવો: નોંધાયેલ વેચાણ દસ્તાવેજ (Registered Sale Deed/Conveyance Deed/Gift Deed)
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ (Aadhaar Card)
- વેરાની રસીદ: મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પંચાયતની લેટેસ્ટ પ્રોપર્ટી ટેક્સ રસીદ
- જમીનની વિગતો: સિટી સર્વે નંબર, વોર્ડ નંબર અને શીટ નંબર (City Survey Number/Sheet No./Ward No.)
- અન્ય: જરૂર જણાય તો 7/12 નો ઉતારો (જો જમીન ખેતીલાયકમાંથી બિનખેતી થઈ હોય તો)
- અરજી ફોર્મ: e-Milkat પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલ અથવા ઓફલાઈન ફોર્મ












