ગુજરાત: રાજ્યમાં લમ્પી વાઈરસ વધ્યો, 15 દિવસમાં જાણો કેટલા પશુઓને થઇ અસર

- રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે
- પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
- અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું
રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે.
પશુઓને વેક્સિન અપાવવા માટે અપીલ કરવામાં આવી
પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી વાઈરસથી સંક્રમિત થયા છે. આ આંકડો સૂચવે છે કે વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના પર અંકુશ મેળવવો અત્યંત જરૂરી છે. લમ્પી વાઈરસના કેસ માત્ર એક કે બે જિલ્લા પૂરતા સીમિત નથી, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાયા છે. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ આ વાઈરસના કેસ નોંધાયા છે. આ જિલ્લાઓમાં પશુપાલકોને ખાસ સાવચેતી રાખવા અને તુરંત જ પશુઓને વેક્સિન અપાવવા માટે અપીલ કરવામાં આવી છે.
સ્થિતિની ગંભીરતાને જોતા, પશુપાલન વિભાગ સક્રિય
સ્થિતિની ગંભીરતાને જોતા, પશુપાલન વિભાગ સક્રિય થઈ ગયું છે. વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઢોરોને વેક્સિનેશન આપવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પશુઓમાં રોગના લક્ષણો દેખાય તો તુરંત જ પશુચિકિત્સકનો સંપર્ક કરવા અને અન્ય પશુઓથી તેને અલગ રાખવા જેવી સલાહો પણ આપવામાં આવી રહી છે. લમ્પી વાઈરસના ફેલાવાને અટકાવવા માટે જાગૃતિ અને તાત્કાલિક પગલાં અત્યંત મહત્વપૂર્ણ છે. પશુપાલકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અને પોતાના પશુધનને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.












