ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

  • ટેટ-ટાટ ઉમેદવારોના રોષ બાદ સરકારનો નિર્ણય
  • સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે
  • આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી

ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની જરૂરી પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.

વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નવા શિક્ષકોની બદલે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જૂના નિયમમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે.

નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન અપાશે

વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે. જે નિવૃત્ત શિક્ષકને કામગીરી સોંપાય તેમની ઉંમર 62 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. શાળામાં બદલીથી અથવા ભરતીથી કાયમી શિક્ષક કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય સુધી કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે છૂટા કરાશે. નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન અપાશે કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળશે નહીં. જે શિક્ષક નિવૃત્તિ પછી કામગીરી કરવા માંગતા હોય તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અરજી કરવાની રહેશે.

નિયમનો વિરોધ થયા બાદ સરકારને આ નિયમ પાછો લેવો પડ્યો

જોકે, આ નિયમનો વિરોધ થયા બાદ સરકારને આ નિયમ પાછો લેવો પડ્યો છે. એકબાજું જ્યાં હજારો-લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું ભરતી ન પડતી હોવાના કારણે રોળાય છે. ત્યાં બીજી બાજું ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.

Back to top button