
Gujarat ATS: ગુજરાત ATSએ આતંકવાદ સામેની લડતમાં વધુ એક મહત્વની સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાના આરોપસર કુલ 8 શંકાસ્પદ વ્યક્તિઓની ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આ તમામ લોકો ગુજરાતમાં આતંકી સંગઠનનું નેટવર્ક ફરી સક્રિય કરવા અને નવા લોકોને સંગઠન સાથે જોડવા માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યા હતા. ગુપ્ત બાતમીના આધારે ગુજરાત ATSએ અલગ-અલગ ટીમો બનાવી બંને રાજ્યોમાં એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આરોપીઓ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને પ્રતિબંધિત સંગઠનના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવા ઉપરાંત સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસોમાં સંકળાયેલા હોવાની શંકા છે. ATS હવે તેમના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ડિજિટલ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની તપાસ કરી રહી છે, જેથી તેમના સંપર્કો, ફંડિંગ અને સંભવિત નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પકડાયેલા આરોપીઓમાં બનાસકાંઠાના પાલનપુર, પાટણ જિલ્લાના સિદ્ધપુર વિસ્તાર, નવસારી તેમજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. કેટલાક આરોપીઓ મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે તેઓ માત્ર વિચારધારાના પ્રચારમાં સક્રિય હતા કે પછી કોઈ મોટા ષડયંત્રની તૈયારી ચાલી રહી હતી.
ATSના અધિકારીઓ હાલમાં તમામ આરોપીઓની અલગ-અલગ રીતે સઘન પૂછપરછ કરી રહ્યા છે. તપાસ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું તેઓ કોઈ વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતા, તેમને આર્થિક સહાય ક્યાંથી મળતી હતી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલા લોકો સાથે તેમનો સંપર્ક હતો. તપાસમાં મળનારા ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડ અથવા નવા ખુલાસા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ રાજ્યની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર વધુ કડક કરવામાં આવી છે. ATSનું માનવું છે કે સમયસર મળેલી બાતમી અને ઝડપી કાર્યવાહીથી સંભવિત આતંકી પ્રવૃત્તિને પ્રારંભિક તબક્કામાં જ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. હાલ તમામ આરોપીઓ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડાણ સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વારાણસી માટે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી, ભૂકંપ આવે તો જમીન કીચડમાં ફેરવાઈ શકે












