ગુજરાતટોપ ન્યૂઝ

GPSCના નવા સભ્યોની નિમણૂક પર રાજકારણ ગરમાયું: શિશિર ત્રિવેદીની નિમણૂક સામે કોંગ્રેસનો આકરો વિરોધ

GPSC Controversy: રાજ્ય સરકારે હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માં એકસાથે 7 નવા સભ્યોની નિમણૂક કરી છે, જેમાંથી શિશિર ત્રિવેદીની પસંદગીને લઈને નવો વિવાદ ઉભો થયો છે. શિશિર ત્રિવેદી શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સક્રિય સભ્ય હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આ નિમણૂકને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવી છે અને તેને તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ પોતાના મળતિયાઓને સરકારી તંત્રમાં ગોઠવવા માટે બંધારણીય સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે.

‘પાર્ટી સિલેક્શન કમિશન બની ગયું છે GPSC’

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, GPSC ના નવા સભ્ય શિશિર ત્રિવેદી ભાજપના સક્રિય કાર્યકર છે અને આરએસએસ (RSS) સાથે સીધા જોડાયેલા છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પણ તેઓ રાજકીય રીતે સક્રિય હોવાના પુરાવા મળે છે. ડૉ. દોશીએ સવાલ ઉઠાવ્યો હતો કે એક રાજકીય વ્યક્તિ કઈ રીતે લાખો નિષ્પક્ષ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરી શકે? તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને ‘પાર્ટી સિલેક્શન કમિશન’ બનાવી દીધું છે, જેના કારણે આખી પસંદગી પ્રક્રિયા પર શંકાના વાદળો ઘેરાયા છે.

ભાષાકીય ક્ષમતા સામે સવાલો

કોંગ્રેસે શિશિર ત્રિવેદીની શૈક્ષણિક અને ભાષાકીય ક્ષમતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ડૉ. દોશીના જણાવ્યા મુજબ, શિશિર ત્રિવેદીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ ગુજરાતી અને અંગ્રેજી જેવી ભાષાઓ પણ યોગ્ય રીતે લખી શકતા નથી. આવી પરિસ્થિતિમાં તેઓ વર્ગ 1 અને 2 ના ઉચ્ચ અધિકારીઓની પસંદગી માટે ઇન્ટરવ્યૂ બોર્ડમાં બેસીને ઉમેદવારોનું મૂલ્યાંકન કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર વિવાદ અંગે જ્યારે માધ્યમો દ્વારા શિશિર ત્રિવેદીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

15,000 ઉમેદવારો પાસ થયા છતાં ઇન્ટરવ્યૂ અટક્યા

GPSC ની વિલંબિત નીતિઓ પર પ્રહાર કરતા કોંગ્રેસે જણાવ્યું કે, આયોગ છેલ્લા ઘણા સમયથી વિવાદોનું કેન્દ્ર રહ્યું છે. લાંબા સમય સુધી સભ્યોની જગ્યાઓ ખાલી રાખવામાં આવી હતી, જેના કારણે વિવિધ પરીક્ષાઓમાં 15,000 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરી ચૂક્યા હોવા છતાં તેમની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અટકી પડી હતી. ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે 5 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને હવે જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે રાજકીય વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘ઇન્ટરવ્યૂમાં સેટિંગ અને સિસ્ટમ પર કબજો’

કોંગ્રેસે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ગડબડ થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. લેખિત પરીક્ષામાં વધુ ગુણ મેળવનાર આશાસ્પદ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને પાછળ ધકેલી દેવામાં આવે છે અને મનપસંદ ઉમેદવારોને ગોઠવી દેવામાં આવે છે. ડૉ. મનીષ દોશીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, “ચૂંટણીઓમાં પોતાના માણસો મૂકીને વોટ ચોરી કરવામાં આવે છે, તેવી જ રીતે ભરતી બોર્ડમાં પોતાના સભ્યો નીમીને નોકરીઓની ચોરી કરવામાં આવી રહી છે.” કોંગ્રેસે ચિઠ્ઠી પ્રથા બંધ કરવાની અને શિશિર ત્રિવેદીની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ દોહરાવી છે.

આ પણ વાંચો: SP રિંગ રોડની બિસમાર હાલતથી પૂર્વ અમદાવાદ ત્રસ્ત, સિક્સ-લેનનું સપનું હજુ અધૂરું

Back to top button