ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Ahmedabad: વાનરોને ખોરાક આપવો ભારે પડશે, વાંચી લેજો નહીંતર જેલમાં જવું પડશે!

Ahmedabad News: અમદાવાદમાં મંદિરો, હાઉસિંગ સોસાયટીઓ અને ખુલ્લા મેદાનો પાસે વાંદરાઓ અને લંગૂરોને ફળ, બિસ્કિટ અથવા બચેલું ખાવાનું આપવાની પ્રથા હવે ગંભીર મુદ્દો બની ગઈ છે. જે કામ પહેલાં દાન કે સારા કામ તરીકે જોવામાં આવતું હતું, તે હવે કાયદેસર ગુનો ગણાશે. ગુજરાત વન વિભાગ (Gujarat forest department) દ્વારા આ મુદ્દે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે અને ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિ હવે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ( Wildlife Protection Act) હેઠળ દંડનીય છે.

વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ વાંદરા અથવા લંગૂરને ખવડાવતાં ઝડપાશે તો પહેલીવારમાં ₹25,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો આ ગુનો ફરી કરવામાં આવશે તો જેલ સજા પણ થઈ શકે છે. સાથે સાથે વન વિભાગ લોકોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે અને રેસ્ક્યૂ ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં પ્રાણીઓના વર્તન પર નજર રાખવા સૂચના આપી છે.

અધિકારીઓ મુજબ, આ સમસ્યા હવે માત્ર તકલીફ સુધી સીમિત નથી રહી, પરંતુ જાહેર સુરક્ષાનો મોટો સવાલ પણ બની ગઈ છે. નોંધનીય છે કે શહેરમાં વાંદરાઓના હુમલાઓ, ઘરમા ઘૂસી જવાની ઘટનાઓ નોંધપાત્ર બની રહી છે, જેના પગલે વન વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એક્સપર્ટના કહેવા અનુસાર, લોકો દ્વારા નિયમિત ખવડાવવાના કારણે વાંદરા અને લંગૂરના સ્વભાવમાં ફેરફાર આવ્યા છે. હવે તેઓ માણસો પર વધુ નિર્ભર બની રહ્યા છે અને આક્રમકતા પણ વધી રહી છે. અગાઉ શહેરમાં ક્યારેક આવતાં આ પ્રાણીઓ હવે ખાલી પ્લોટ, ઝાડવાળા વિસ્તારો અને મેદાનોમાં સ્થાયી થવા લાગ્યા છે.

ડિસેમ્બર 2024ની ગણતરી મુજબ અમદાવાદમાં વાંદરાઓની સંખ્યા 4,602 નોંધાઈ હતી, જે પાંચ વર્ષ પહેલા કરતાં લગભગ બમણી છે. વન વિભાગે શહેરમાં 198 એવી જગ્યાઓ ઓળખી છે જ્યાં વાંદરો અને લંગૂરની સમસ્યા સતત રહે છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, થલતેજ, બોપલ, ઘુમા, અંબાવાડી, પાલડી, શાહીબાગ, ચાંદખેડા, કુબેરનગર, નરોડા, નરોલ, સાબરમતી, મણિનગર અને અસરવા જેવા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શહેરના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ચાણક્યપુરીમાં જ બચકાં ભરવાના 20 કેસ નોંધાયા છે, જ્યારે સમગ્ર શહેરમાં દર મહિને આશરે 40 કેસ સામે આવે છે. ગોમતીપુરમાં એક વાંદરે પાંચ દિવસમાં 12 લોકોને બચકાં ભર્યા બાદ તેને પકડવા ખાસ અભિયાન ચલાવવું પડ્યુ હતું. વન વિભાગના અધિકારી મિનલ જાનીએ જણાવ્યું હતું કે, ખવડાવવાની આદત જ આ સમસ્યાનો મુખ્ય કારણ છે અને લોકોને ખાસ અપીલ પણ કરી હતી કે, વન્ય પ્રાણીઓને ખવડાવવાનું બંધ કરે જેથી માનવ અને પ્રાણી વચ્ચેનો વધતો સંઘર્ષ ઓછો થઈ શકે.

આ પણ વાંચો : શું કોમામાં છે મોજતબા ખામેનેઈ?, સારવારને લઈને રિપોર્ટમાં મોટો દાવો

Back to top button